ઓમિક્રોનના પ્રથમ દર્દીને ૧૩ દિવસ બાદ સિવિલમાંથી રજા

Tuesday 04th January 2022 14:36 EST
 

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના અને ઓમિક્રોને પગપેસારો કરી દીધો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનના પ્રથમ દર્દીને સિવિલમાંથી ૧૩ દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી છે. દર્દીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ઓમિક્રોનથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, ૧૩ દિવસની સારવાર દરમિયાન મલ્ટી વિટામીન સિવાય કોઇ જ દવા આપવામાં આવી નથી. પરંતુ ઓમિક્રોન અને કોરોનાને હરાવવા માટે વેક્સિન લેવી જરૂરી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દી પ્રફુલભાઇને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ હવે સ્વસ્થ થતા તેને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રફુલભાઈ લંડનથી વાયા દુબઈ અમદાવાદ આવ્યા હતા. તેમનું ચેકઅપ કરાતા ઓમિક્રોનથી સંક્રમિત હોવાના કારણે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તથા મેડિકલ સ્ટાફની મદદથી તેઓએ ઓમિક્રોનને હરાવ્યો હતો.


comments powered by Disqus