ચારૂસેટ હોસ્પિટલમાં સફળ ઓપરેશનથી ૬ વર્ષથી પથારીવશ મહિલા ૧૦ વર્ષ પછી ચાલતા થયા

Tuesday 04th January 2022 14:43 EST
 

ચાંગા: ચાંગાસ્થિત વિખ્યાત મલ્ટી સ્પેશિયાલિટી ચારૂસેટ હોસ્પિટલમાં તાજેતરમાં ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાત ડોકટરે ૬ વર્ષથી પથારીવશ એક મહિલા દર્દીનું સફળ ઓપરેશન કરી તેમને ૧૦ વર્ષ પછી દુ:ખાવા વગર ચાલતા કર્યા હતા.
ચારૂસેટ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાત ડોકટર અને હીપ-ની રીપ્લેસમેન્ટ સર્જન ડૉ. સમીર બાબરીયાએ આ સર્જરી કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે પેટલાદ તાલુકાના જેસરવા ગામમાં વસતા ૬૧ વર્ષના કૈલાસબેન સુથારને સંધિવા હોવાથી સાંધાને ધસારો થયો હતો. તેમને છેલ્લા ૧૦ વર્ષથી દુ:ખાવો થતો હતો અને ચાલી શકતા નહોતા અને ૬ વર્ષથી પથારીવશ હતા. તેમનો એકેય સાંધો હલતો નહોતો. આથી સાંધો અને થાપાનું ઓપરેશન કરવું પડે તેમ હતું.
તેઓએ અનેક હોસ્પિટલોમાં બતાવ્યુ હતું પણ કોઈ ફરક પડ્યો નહોતો. આથી ચારૂસેટ હોસ્પિટલમાં આવ્યા હતા. જરૂરી પ્રાથમિક તપાસ અને રીપોર્ટ કરાવ્યા હતા. આ સ્થિતિમાં તેમના ઘૂંટણ-ની કે થાપા-હીપ બદલવા જરૂરી હતા જોકે આ ઓપરેશન કરવું અઘરું હતું. તેમનો ૧ થાપો અને ૨ ઢીંચણ બદલવાના હતા. તેમાંથી તાજેતરમાં ૧ ઘૂંટણ-ની અને ૧ થાપા-હીપ બદલવા માટેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમના થાપાનું ઓપરેશન ૨ કલાક અને ઘૂંટણનું ઓપરેશન દોઢ કલાક ચાલ્યું હતું.
ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશનનો ખર્ચ રૂ. દોઢથી બે લાખ જેટલો થતો હતો પરંતુ આ દર્દીને અહી મુખ્યમંત્રી અમૃતમ મા યોજના અંતર્ગત નિ:શુલ્ક સારવાર અને ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડોકટરોએ જણાવ્યું હતું કે આ પ્રકારનું ઓપરેશન વિવિધ હાઇટેક એડવાન્સ સેન્ટરમાં થાય છે જે ચારૂસેટ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.


comments powered by Disqus