નવા વર્ષની ઉજવણીમાં કોરોનાનું ‘ગ્રહણ’, વર્ષ ૨૦૨૧ને ફિક્કી વિદાય

Tuesday 04th January 2022 14:35 EST
 

અમદાવાદઃ ખટ્ટ-મીઠ્ઠા સંભારણાઓ, અનેક બોધપાઠ આપીને ૨૦૨૧ના વર્ષે વિદાય લીધી છે. નવી આશા, નવા ઉમંગ સાથે વર્ષ ૨૦૨૨નો પ્રથમ સૂર્યોદય થઇ ગયો છે. જોકે, કોરોના વાયરસને કારણે સતત બીજા વર્ષે ૩૧ ડિસેમ્બરની ઉજવણી ફિક્કી બની રહી હતી. મોટાભાગના લોકોએ ઘરમાં તેમજ અનેક લોકોએ ફાર્મ હાઉસમાં નવા વર્ષનો જશ્ન મનાવ્યો હતો.
૩૧ ડિસેમ્બરે સામાન્ય રીતે મોડી સાંજથી જ અમદાવાદના સીજી રોડ, સિંધુ ભવન, એસજી હાઇવે સહિતના માર્ગ લોકોથી ઉભરાવવા લાગતા હોય છે. વિવિધ વાંજીત્રોથી આ માર્ગો ગૂંજી ઉઠતા હોય છે. રાત્રે ૧૨ના ટકોરે જ આતશબાજીથી દિવાળી જેવો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ ગત વર્ષની જેમ આ વખતે પણ ઉજવણીમાં કોરોનાનું ગ્રહણ લાગી ગયું હતું. રાત્રે ૧૧થી જ નાઇટ કરફ્યૂનો પ્રારંભ થઇ જતો હોય છે. જેના કડક અમલ માટે પોલીસ દ્વારા રાત્રે ૧૦-૩૦થી જ રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા બંધ કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. ૩૧ ડિસેમ્બરને પગલે પોલીસ દ્વારા વોચ પણ વધારી દેવામાં આવી હતી. જેના કારણે રાત્રે ૧૧થી જ અમદાવાદના માર્ગોમાં સૂમસામ થઇ ગયા હતા.


comments powered by Disqus