પહેલા જ દિવસે સગીર વયના ૪.૯૪ લાખ વિદ્યાર્થીઓનું રસીકરણ

Tuesday 04th January 2022 14:32 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં ૧૫થી ૧૮ વર્ષના વયજુથના વેક્સિનેશનના પહેલા જ દિવસે કુલ ૪,૯૪,૩૧૯ વિદ્યાર્થીઓને કોવિડ-૧૯ સામે પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર પાસેના કોબા ખાતેની શાળામાંથી ગુજરાતમાં તેનો આરંભ કરાવ્યો હતો. ગુજરાતમાં કિશોરવયના ૩૬ લાખ બાળકો છે. એ તમામને એક જ સપ્તાહમાં વેક્સિનેટેડ કરવા રાજ્યનું ઓરોગ્ય તંત્ર સજ્જ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ.
કોરોના સામેના રસીકરણને ૧૬મી જાન્યુઆરીએ એક વર્ષ થશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં વેક્સિનની પાત્રતા ધરાવતા ૧૮ વર્ષથી ઉપરના વયજુથમાં ૪.૨૮ કરોડથી વધુ નાગરીકોને રસી મળી ચૂકી છે. ૩ જાન્યુઆરીએ ગુજરાતમાં કુલ વેક્સિનેશનના ડોઝની સંખ્યા ૯ કરોડને પાર થઈ ચૂકી હતી. જેમાં માત્ર ૪.૯૪ લાખ તો ૧૮ વર્ષથી નીચે ૧૫ વર્ષ સુધીના કિશોરોની હતી. ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરના વયજુથમાં કુલ ૪.૯૩ કરોડથી વધુ નાગરીકો વેક્સિનેશનની પાત્રતા ધરાવે છે.
જેમાંથી અઢી કરોડ ઉપરાંત નાગરીકોને રસીના બંને ડોઝ મળી ચૂક્યા છે. કિશોરવયના બાળકો માટે ૯ જાન્યુઆરી સુધી રસીકરણની ડ્રાઈવ ચાલશે. જેમાં ૭મી જાન્યુઆરીને રવિવારે મેગા ડ્રાઈવ થશે. જે કિશોરો શાળા કે કોલેજમાં જતા નથી અથવા તો વેક્સિન માટે ઉપલબ્ધ થયા નથી તેમને ઘરે જઈને પહેલો ડોઝ આપવાનું આયોજન છે. ત્યારબાદ ૧૦ જાન્યુઆરીથી સિનિયર સિટિઝન સહિત કોરોના વોરિયર્સ અને ફ્રન્ટ લાઈન વર્કરોને ત્રીજો ડોઝ આપવા અભિયાન શરૂ થશે. રસી મળવાના કારણે હવે બાળકો પણ સુરક્ષિત થશે
તેના કારણે આગામી સમયમાં ભય ઘટશે.


comments powered by Disqus