અમદાવાદ: ભૂજની રાવલવાડી સબ પોસ્ટ ઓફિસના ત્રણ સબ પોસ્ટ માસ્તરો એજન્ટ પતિ અને પત્ની સાથે ૨૦૦૨થી ૨૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાન ૩ કરોડ ૩ લાખ ૯૪ હજારની રકમ ઉપાડીને મસમોટું કૌભાંડ આચરતા સીબીઆઇએ પાંચેય સામે ગુનો દાખલ કર્યો છે. ડિપોઝીટરોના રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ (આરડી એકાઉન્ટ)ના ખોટા ક્લોઝીગ ડોક્યુમેન્ટ બનાવીને રકમ ઉપાડીને બેન્કને ચૂનો લગાવી દીધો છે. તા. ૨૮ ડિસમ્બરના રોજ ચોટીલા સબ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા બે સરકારી બાબુ સુતરસંડિયા અને અશ્વિન વરમોરાએ ભેગા મળીને પોસ્ટ વિભાગના ડિપોઝિટરોએ જુદી જુદી સ્કીમ, સેવિંગ્સ ખાતા, સેવિંગ્સ બેન્ક સ્કીમ, ડિપોઝિટ સ્કીમ અને સિનિયર સિટીઝન સ્કીમ હેઠળ ડિપોઝીટ કરેલા રૂા. ૧.૫૭ કરોડ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને રકમ ઉપાડી લીધા હોવાની સીબીઆઇમાં ફરિયાદ નોધાઇ હતી.
કચ્છ ડિવિઝન ભૂજ પોસ્ટ ઓફિસના સુપરિન્ટેન્ડેન્ટ કે.એમ. દેસાઇએ સીબીઆઇમાં લેખિત ફરિયાદ કરતા સીબીઆઈએ રાવલવાડી, સબ પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્તર વિનય દવે, બટુક વૈષ્ણવ, બિપિનચંદ્ર રાઠોડ, પ્રજ્ઞા ઠાકર અને પ્રજ્ઞાના પતિ સચીન ઠાકર સામે ગૂનાહિત કાવતરું કરીને બોગસ દસ્તાવેજા બનાવીને પોસ્ટને ૩.૩ કરોડનું નુકસાન કરાવવા બદલ ગૂનો દાખલ કર્યો છે. ૨૦૦૨માં મેન્યુઅલ સિસ્ટમ ચાલતી હતી ત્યાર બાદ કોમ્પ્યૂટાઇઝેશન થાય તે પહેલા એજન્ટ દંપતીએ ૩૨ આરડી એકાઉન્ટ સબ પોસ્ટ માસ્તરોની મદદથી બોગસ ડોક્યુમેન્ટથી ડિપોઝિટરોના નાણાં ઉપાડી લીધા હતા. ઈન્સ્પેક્શનમાં જણાયું હતું કે, ૭૦થી વધુ આરડી એકાઉન્ટ એજન્ટ પતિ-પત્નીની એજન્સી મારફત ક્લોઝ કરાવી નાણા ઉપાડી લેવાયા હતા.
