રાષ્ટ્રીય ચિંતન અને અખંડિતતાને સુરક્ષિત રાખવામાં શીખ ગુરૂઓની તપસ્યાઃ પીએમ મોદી

Tuesday 04th January 2022 14:53 EST
 
 

ભૂજઃ આપણા ગુરૂઓનું યોગદાન સમાજ અને આધ્યાત્મિક પૂરતું જ નથી. આપણું રાષ્ટ્ર ચિંતન, રાષ્ટ્ર આસ્થા અને રાષ્ટ્ર અખંડિતતા આજે સુરક્ષિત છે તેની પાછળ પણ શીખ ગુરૂઓની મહાન તપસ્યા રહેલી છે એમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી લખપત કચ્છમાં ઐતિહાસિક લખપત સાહિબ ગુરૂદ્વારા ખાતે શ્રી ગુરૂનાનક દેવજીના પ્રકાશ પર્વ સમાપન સમારોહમાં જણાવ્યું હતું.
લખપત સાહિબ સમયની દરેક ગતિવિધિનું સાક્ષી રહ્યું છે. ભૂતકાળમાં લખપત સાહિબે ઘણા ઝંઝાવાતો જોયા છે. વ્યાપારનું મુખ્ય કેન્દ્ર રહેલા લખપતના મૌલીક ગૌરવને સાચવવા દેશના શિલ્પીઓએ પ્રાચીન લેખનશૈલીની દીવાલો પર ગુરૂ વાણી અંકિત કરેલી છે. જેનાથી ગુરૂનાનક દેવનો સંદેશો નવી ઊર્જા સાથે સમગ્ર દુનિયામાં પહોંચાડવાનો પ્રયાસ થયો છે.
આજે અટલજીની પણ જન્મ જયંતિ છે. અટલજીને કચ્છ માટે વિશેષ સ્નેહ હતો. તેમણે ભૂકંપ પછી કચ્છમાં કરેલા કાર્યો અને તેમની સાથે સરકારે પણ ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. વડાપ્રધાનએ કચ્છી માડુને અને કચ્છની વિશેષતાઓનો ઉલ્લેખ કરીને હાલે કચ્છમાં ચાલી રહેલા કચ્છ રણોત્સવમાં સૌને સહભાગી થવા તેમજ કચ્છ પ્રવાસન વિકાસમાં વેગ આપવા માટે સૌને અનુરોધ કર્યો હતો.
થોડા સમય પહેલાં જ યુનેસ્કોએ ધોળાવીરાને વૈશ્વિક ધરોહર જાહેર કરતા ધોળાવીરાનો પણ પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ વિકાસ થશે અને આ માટે વહીવટી તંત્ર દ્વારા કરાઇ રહેલી પરિવહન વ્યવસ્થાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. ધોરડોથી ધોળાવીરા સુધીનો માર્ગ પણ ઝડપથી પૂર્ણ થશે તેવું પીએમ મોદીએ જણાવ્યું હતું.
સર્વધર્મ સમભાવની સંસ્કૃતિને વરેલાં ગુજરાતના વૈશ્વિક વિકાસમાં શીખ સમુદાય ખભેખભા મિલાવી ભાગીદાર થઇ રહ્યો છે એમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું.


comments powered by Disqus