વતનનું ઋણ ચૂકવવા એનઆરઆઈ તૈયાર પણ સરકારને પડી જ નથી

Tuesday 04th January 2022 14:29 EST
 

અમદાવાદઃ વિદેશમાં રહેતા ગુજરાતીઓના દાનથી ગામડાઓમાં લાઇબ્રેરી સહિત વિવિધ પ્રાથમિક સુવિધાના કામો કરવા માટે વતન પ્રેમ યોજનાનો આરંભ કરાયો હતો. કેટલાંય વિદેશમાં રહેતાં ગુજરાતીઓ પોતાના વતનનું ઋણ ચૂકવવા તૈયાર છે પણ યોજનાના કંઈ ઠેકાણા જ નથી.
ગામડાંઓમાં લાઇબ્રેરી, પાણીની ટાંકી, પંચાયત ઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત રસ્તા બનાવવા માટે રાજ્ય સરકારે ગ્રાન્ટ આપવી પડે છે. હવે સરકારે વિદેશમાં રહેતા ગુજરાતીઓની મદદથી ગામડાંઓમાં વિકાસ કરવા નક્કી કર્યું છે. તા. ૨૯મી જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વતનપ્રેમ યોજના શરૂ કરાઈ હતી. આ યોજના હેઠળ વિદેશમાં રહેતા ગુજરાતીઓ વતન માટે દાન આપી શકે છે અને રાજ્ય સરકાર પણ અમુક ટકા સહાય આપીને ગામડાઓમાં પ્રજાલક્ષી કામો કરશે તેવું નક્કી કરાયું હતું.
તે વખતે સરકારે જાહેરાત કરી હતી કે વિદેશમાં રહેતાં ગુજરાતીઓને વતનપ્રેમ યોજનાઓની જાણકારી મળી રહે તે માટે સ્ટેટ કંટ્રોલરૂમ શરૂ કરાશે. એટલું જ નહીં, હેલ્પલાઈન પણ શરૂ કરાશે, નામ ન આપવાની શરતે એક એનઆરઆઈએ જણાવ્યું કે અમારે અમારા વતનમાં લાઈબ્રેરી સહિતના કામો માટે પૈસા આપવા છે પણ અને યોજના વિશે ખબર નથી. આ યોજનામાં કોને મળવું, કયા અધિકારી આ યોજનાની સમજ આપશે, વતન માટે કેવી રીતે નાણાં આપવા તે અંગે ખબર જ નથી પડતી.
આમ, વતનપ્રેમ યોજના માળીયે ચડી દેવાઈ છે. ખુદ ગ્રામ પંચાયત વિભાગના અધિકારીઓને ય આ મુદ્દે ખબર નથી કે અત્યાર સુધી કેટલાં એનઆરઆઈએ વતનમાં કેટલું દાન આપ્યું છે.


comments powered by Disqus