૭ માસ પછી પહેલી વાર કોરોના કેસે ૨૨૦૦નો આંકડો વટાવ્યો, રાજ્યમાં ૨૨૬૫ કેસ નોંધાયાં

Tuesday 04th January 2022 14:34 EST
 

અમદાવાદઃ રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. ૭ મહિના બાદ પહેલીવાર ૨૨૦૦ થી વધારે કેસ નોંધાયા છે. ૪ જાન્યુઆરીની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨૬૫ નવા કેસ નોંધાયા છે. એ પહેલા ૨૯ મેના રોજ એટલાં કેસ હતા. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કેસમાં બમણો વધારો થઈને કુલ ૧૨૯૦ કેસ નોંધાયા છે. ત્યારે બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, પાટણ અને પોરબંદરમાં જ કોરોનાના એકેય કેસ નોંધાયા નથી. જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોના સંક્રમિત થયા છે. તેઓ હોમ ક્વોરન્ટીન થયાં છે. ૪ જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં ૧-૧ મળી રાજ્યમાં કુલ ૨ દર્દીના મોત થયાં છે.
૭૮૮૧ એક્ટિવ કેસ અને ૧૮ દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ લાખ ૩૭ હજાર ૨૯૩ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૧૨૫ છે. તેમજ અત્યાર સુધીમાં ૮ લાખ ૧૯ હજાર ૨૮૭ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૭૮૮૧ એક્ટિવ કેસ છે, જેમાંથી ૧૮ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૭૮૬૩ દર્દીની હાલત સ્થિર છે.
હજી ૨૪ મીએ ૯૮ કેસ હતા, ૪ જાન્યુઆરીએ ૧૮૮ ગણા કેસ વધી ગયા
ગુજરાતમાં રોકેટગતિએ વધી રહેલા કોરોના કેસમાં એક નવું તથ્ય બહાર આવ્યું છે કે દર ત્રીજા દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. રસપ્રદ છે કે ગત માર્ચ-એપ્રિલ ૨૦૨૧ માં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ રીતે જોઈએ તો ૨૪ ડિસેમ્બરે ગુજરાતમાં કોરોના પોઝિટિવના નવા ૯૮ કેસ નોંધાયા હતા. આ આંકડો વધીને ૪ જાન્યુઆરીએ ૨૨૬૫ નવા કેસ થયા છે. જ્યારે ૨૪ ડિસેમ્બર બાદ ૧૨ દિવસે કેસમાં ૧૮૮ ગણો વધારો થયો છે.
રાજ્યમાં ઓમિક્રોનના ૨ નવા કેસ નોંધાયા
કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. ૪ જાન્યુઆરીએ રાજ્યમાં કુલ ૨ ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં એક સ્ત્રી અને એક પુરૂષ એમ ૨ ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. બંનેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૧૫૪ ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જ્યારે ૯૬ દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. ઓમિક્રોનના એક પણ દર્દીનું હજુ સુધી રાજ્યમાં મોત થયું નથી.


comments powered by Disqus