આણંદ: ‘પ્રમાણિકતા જ પરમેશ્વર’ ના સુવિચારને સાર્થક કરતો કિસ્સો પેટલાદ તાલુકામાં બન્યો છે. જેમાં સામાન્ય પરિવારમાંથી આવતી ગેરેજ માલિકની પુત્રીને રસ્તામાં પડેલું રૂપિયા 25 લાખ ભરેલું પર્સ મળ્યું હતું. જે તેણીએ પોતાના પરિવારજનોની મદદ લઈ બે કલાકની ભારે જહેમત બાદ મૂળ માલિકને પરત સોંપ્યું હતું. પેટલાદમાં ગેરેજ મિકેનીક ફિરોઝભાઈ વ્હોરાની 18 વર્ષીય દીકરી હુમા વ્હોરા રણછોડજી મંદિર સામે પાણીપુરી ખાવા નીકળી હતી. ત્યારે અચાનક તેની નજર રસ્તામાં પડેલાં એક પર્સ પર પડી હતી. આ પર્સ તે લઇને ઘરે આવી અને સમગ્ર બાબત પરિવારજનોને કહી હતી. પરિવારે પર્સ ફંફોસતા તે કોઈ જતીન આર પટેલ નામના એનઆરઆઈનું હોવાનું ખૂલ્યું હતું. 30 હજાર અમેરિકન ડોલર કે જેની અંદાજિત કિંમત રૂપિયા 25 લાખ જેટલી થાય તે હતા. જોકે, પર્સમાંથી તેમનો સંપર્ક થઈ શકે તેવા કોઈ ડોક્યુમેન્ટસ મળ્યા નહોતા. આખરે સોશિયલ મીડિયાના સહારે પ્રમાણિકતાનું કામ પુરું પાડ્યું હતું.
