બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનઃ 3 ધાર્મિક સ્થળ સહિતના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

Tuesday 04th October 2022 17:40 EDT
 
 

દ્વારકાઃ પ્રસિધ્ધ યાત્રાધામ બેટ દ્વારકાના દરિયા કાંઠે તંત્રના મેગા ઓપરેશનમાં જિલ્લા કલેક્ટર, રાજકોટ રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડા સહિત એક હજાર સુરક્ષા જવાનો તૈનાત કરી ગેરકાયદે બાંધકામ તોડી પડાયા. દેશભરમાં ત્રાસવાદ અને ડ્રગ્સ માફિયાનો સફાયો કરવા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત બેટ દ્વારકાના બાલાપરમાં ગેરકાયદેસર બાંધકામ કરાયેલા ધાર્મિક સ્થળોએ દેશ વિરોધી પ્રવૃત્તિ થતી હોવાના મળેલા ઇન્પુટ સાથે તંત્ર દ્વારા સર્જીકલ સ્ટ્રાઇક કરી ધાર્મિક સ્થળોનો જમીનદોસ્ત કરી ધાર્મિક સ્થળના વડાઓને પ્રતિબંધીત પીએફઆઇ સાથેના કનેક્શન હોવાની શંકા સાથે અટકાયત કરવામાં આવી હતી.

ત્રાસવાદીઓ માટે વિદેશથી ફંડ એકઠું કરી દેતી પીએફઆઇ સહિતના નવ જેટલા સંગઠનના બિન હિસાબી વ્યવહાર એનઆઇએ દ્વારા પકડી પાડ્યા બાદ નવ સંગઠન પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે. ત્યારે પીએફઆઇના કનેક્શન સૌરાષ્ટ્રના સાગર કિનારે આવેલા ભગવાન દ્વારકાધીશની રાણીવાસ ગણાતા બેટ દ્વારકામાં ધાર્મિક સ્થળે દેશ વિરોધી પ્રવૃત્તિ ચલાવતા હોવાનું બહાર આવતા ગેરકાયદેસર કરાયેલા ધાર્મિક સ્થળના ડીમોલીશન માટે રાતથીજ આશરે એક હજાર જેટલા સુરક્ષા જવાનો દ્વારા બેટ દ્વારકાને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું અને વહેલી સવારથીજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમોલીશન કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

બેટ દ્વારકા ખાતે આવેલા બાલાપર વિસ્તારમાં અમુક ધાર્મિક સ્થળનું ગેરકાયદેસર બાંધકામ હોવાનું અને ત્યાં ગેરકાનુની પ્રવૃત્તિ થતી હોવાથી ધાર્મિક સ્થળનું ડીમોલીશન કરવા તંત્ર દ્વારા કાર્યવાહી સવારથી જ શરૂ કરવામાં આવી હતી.


comments powered by Disqus