વડોદરાની ગુજરાત રિફાઇનરીમાં સ્પેશિયલ એવિયેશન ફ્યૂલનું ઉત્પાદન શરૂ કરાયું

Tuesday 04th October 2022 17:54 EDT
 
 

વડોદરાઃ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વડોદરામાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં નાના એરક્રાફ્ટ અને માનવ રહિત વ્હિકલ્સ (ડ્રોન)માં બળતણ તરીકે વપરાતા AVGAS 100LLનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. સ્પેશિયલ એવિએશન ફ્યૂલનું ઉત્પાદન શરૂ થતાં હવે ભારતને યુરોપીયન દેશોમાંથી આ ફ્યૂલની આયાત નહિ કરવી પડે. દાયકાઓથી આ ફ્યૂલની આયાત કરવામાં આવી રહી હતી.

તાજેતરમાં જ પ્રિન્સિપાલ ગ્રેડ ઓફ એવિએશન ગેસોલીન -AVGAS 100LLને લોંચ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ફ્લાઇંગ કલબો દ્વારા પાઇલોટોને શિક્ષણ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા નાના એરક્રાફ્ટ તથા માનવ રહિત વ્હિકલ્સ - ડ્રોનમાં બળતણ તરીકે AVGAS 100LL ઉપયોગમાં કરવામાં આવે છે. ટર્બો ચાર્જ રેસિપ્રોકેટિંગ પિસ્ટન એન્જિન એરક્રાફ્ટસનો ઉપયોગ ફ્લાઇંગ ક્લબો, ડિફેન્સ ફોર્સ દ્વારા કરવામાં આવે છે. ભારતમાં જ આ ફ્યૂઅલનું ઉત્પાદન થતાં ફ્લાઇંગ ક્લબમાં પાઇલોટની ટ્રેનિંગ માટે થતો ખર્ચ પણ ભવિષ્યમાં ઘટશે. ભારતમાં એવિયેશન ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે ત્યારે આગામી સમયમાં પાઇલોટોની વધુ જરૂર રહેશે. આ સંજોગોમાં ફ્લાઇંગ કલબો દ્વારા વધુ પાઇલોટોને તૈયાર કરવામાં આવશે. ભારતમાં હવાઇ સેવામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે ત્યારે એવિએશન ફ્યુલની માગ પણ વધશે. એક અંદાજ મુજબ ભારતમાં હાલ એવિએશન ફ્યૂલનું માર્કેટ 1.92 બિલીયન ડોલરનું છે.જે 2029માં 2.71 બિલિયન ડોલરનું થશે.


comments powered by Disqus