વડોદરા: ગુજરાતના મહેમાન બનેલા વિદેશ પ્રધાન એસ. જયશંકરે 60 વિદેશી રાજદૂતો સાથે વડોદરાના સુવિખ્યાત યુનાઈટેડ વે ખાતે નવરાત્રીની મજા માણી હતી. તેઓ આ ગરબા મહોત્સવમાં ભાતીગળ ભરતકામ કરેલી કોટી પહેરીને ખેલૈયાઓ સાથે ફોટા પણ પડાવ્યા હતા.
શક્તિ, ઉપાસના અને ઉત્સાહના પર્વ અને વિશ્વના સૌથી લાંબા સાંસ્કૃતિક નૃત્ય મહોત્સવની વડોદરા શહેરમાં ચાલી રહેલી ઉજવણીને માણવા માટે આવેલા વિવિધ દેશના 60 જેટલા રાજદૂતો અને વિદેશ પ્રધાન ડો. સુબ્રમણ્યમ જયશંકર થનગનતા ખેલૈયાઓના પ્રચંડ ઉત્સાહ અને એકલયથી અભિભૂત થયા હતા. હિલોળે ચડેલા ખેલૈયાઓના થનગનાટને જોઈને પ્રભાવિત થયેલા રાજદૂતો ગરબા ગ્રાઉન્ડમાં માતાજીના મંદિરના પ્રાંગણમાં ગરબા રમવા લાગ્યા હતા. સાથે જ તેમણે જગ વિખ્યાત ગરબા મહોત્સવને કાયમી સંભારણું બનાવવા મોબાઈલના કેમેરામાં કેદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. વડોદરાની વિરાસતથી વાકેફ થયેલા વિદેશી રાજદૂતો યુનાઈટેડ વે ઓફ બરોડાની જટિલ ગરબા વ્યવસ્થાપનને જોઈને દંગ રહી ગયા હતા. ઉત્સાહ, ઉમંગ, આરાધના અને ઉર્જાના પર્વ એવા નવરાત્રીમાં ખેલૈયાઓ સુપ્રસિદ્ધ ગાયક અતુલ પુરોહિતના સૂરે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાઓના જોરદાર ઉત્સાહ, તાલ અને થનગનાટે રાજદૂતો અને વિદેશ પ્રધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગરબા ગ્રાઉન્ડ પર એકસાથે અધધ..સંખ્યામાં ખેલૈયાઓને ગરબા રમતા જોઈને કુતૂહલવશ બનેલા રાજદૂતો અહોભાવ વ્યક્ત કર્યો હતો. વિદેશ પ્રધાન એસ. જયશંકર અને તેમના ધર્મપત્ની કયોકોએ માં અંબાની આરતી કરી હતી અને ત્યારબાદ વિદેશ પ્રધાન હાજર ખેલૈયાઓને મળ્યા હતા.
વડોદરામાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઘટના પહેલીવાર બની
વડોદરાના ગરબા વિશ્વ પ્રસિદ્ધ છે અને વિદેશી મહેમાનોએ મંત્રમુગ્ધ થઈને વડોદરાના ગરબા નિહાળ્યા હોય એવું લગભગ પ્રત્યેક નવરાત્રિમાં બને છે. જો કે એક સાથે વિવિધ દેશોના 60 થી વધુ રાજદૂતો ગરબા નિહાળ્યા હોય એવી સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઘટના પહેલીવાર બની હતી. વિદેશી ડેલીગેશન સાથે કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યપ્રધાન જગદીશભાઇ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા.
વિદેશી રાજદ્વારીઓના પ્રતિભાવો
ગુજરાતમાં મા દુર્ગાનો તહેવાર એવા નવરાત્રિનો અનુભવ કરવાનો અવસર મળ્યો. અહીં ગરબા કરતા લોકોનો ઉત્સાહ અને આનંદ જોઈને ખૂબ જ ખુશી અનુભવુ છુ. આ અદ્ભુત અનુભવ માટે હું દેશના વિદેશપ્રધાન એસ. જયશંકર અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર માનું છુ. - બેરી ઓ’ફરેલ, ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશનર
હું પહેલી વાર ગરબા રમી રહ્યો છું પણ ખુબ મઝા આવી રહી છે ખુબ સુંદર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. નવરાત્રીએ ગુજરાત અને ભારતનો શાનદાર મહોત્સવ છે. - ડેનિસ અલીપોવ, રશિયાના એમ્બેસેડર
આજે ગુજરાત આવીને ગુજરાતના લોકોને મળીને ખૂબ જ સારું લાગી રહ્યું છે. હું અફઘાનિસ્તાન તરફથી તમામ ગુજરાતીઓનો આભાર વ્યક્ત કરુ છુ. - ફરીદ મુમુન્દઝય, અફઘાનિસ્તાનના એમ્બેસેડર
તાન્ઝાનિયા અને ગુજરાત વચ્ચે એક અનોખો સંબંધ છે કારણ કે તાન્ઝાનિયામાં જેટલા પણ ભારતીયો વસે છે તેમાંથી સૌથી વધુ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. તો આ મારા માટે ખુબજ ખાસ અનુભવ છે અમારા દેશમાં વસતા ગુજરાતીઓના આ તહેવારને ખુબ નજીક થી જોવાનો અવસર મળ્યો હું તેના માટે ભારત સરકારની આભારી છુ કે મને આમંત્રીત કરવામાં આવી. મેં પણ અહી આવીને ગરબા કર્યા છે મારા માટે આ ખુબ જ અલગ અનુભવ છે હું અહીં આવીને ખુબ ખુશ છુ. - અનિસા મબેગા, તાન્ઝાનિયાના હાઇ કમિશનર
આ એક ખૂબ જ અદ્ભુત તહેવાર છે. હું ડેનિશ એમ્બેસેડર છું. આજે હું ખૂબ જ ખુશ અને આનંદમાં છું, અને પ્રાર્થના કરું છું કે, આ પ્રકાશ અંધકારને દૂર કરી દે. લોકોને આ રીતે રમતા જોવા એ ખૂબ જ અદ્ભુત છે. આ ખરેખર ગ્રેટ તહેવાર છે અને હું વિશ્વમાં વસતા તમામ ભારતીયોને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવું છું. - ફ્રેડી સ્વેન, ડેનિશ એમ્બેસેડર
હું પ્રથમ વખત આ તહેવારમાં હાજરી આપી રહ્યો છું. આ ખરેખર ખૂબ જ અદ્ભુત લાગણી છે. આ ખરા અર્થમાં ઇન્ક્રેડિબલ ઇન્ડિયા છે. મને બહુ જ મજા આવી, મને ખૂબ જ આનંદ થયો. - ગિલ્બર્ટ શિમાને મંગોલ, રિપબ્લિક ઓફ બોટ્સવાનાના હાઇ કમિશનર
આ ગરબા ફેસ્ટિવલમાં આવીને હું ખૂબ જ ખુશ છું અને ઉત્સાહિત છું. એક જ ગ્રાઉન્ડમાં આ રીતે 35,00થી વધુ લોકો ગરબા કરતા હોય એ વાત જ ખૂબ ભવ્ય છે. આ એક અનોખો તહેવાર છે અને તમે ચારેબાજુ ઉત્સાહનો માહોલ જોઇ શકો છો. આવા ભવ્ય આયોજન માટે તમામ આયોજકોને મારા અભિનંદન! - યાસિલ અલાઇન્સ બુરિલો રિવેરા, રિપબ્લિક ઓફ પનામાના એમ્બેસેડર
ગરબા એ એક અનોખો ડાન્સ છે, એક અનોખી સુંદરતા છે. મેં પહેલા ક્યારેય પણ ગરબા ડાન્સ કર્યો નથી. આજે પહેલીવાર કર્યો છે, અને મને ગ્રાઉન્ડમાં એક સુંદર ટીચર પણ મળી ગયા. મારે આ નૃત્ય શીખવું છે, મેં પ્રયત્ન પણ કર્યો ને મને ખૂબ મજા આવી. આવા સુંદર સેલિબ્રેશન માટે તમને સૌને અભિનંદન! - કોરોમોટો ગોડોય કાલડ્રોન, વેનેઝુએલાના એમ્બેસેડર

