સુરતઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓનલાઇન સટ્ટા બેટિંગની ગેમિંગ એપ બનાવી સટોડિયાઓ દ્વારા જે રકમની હારજીત થતી હતી તેની ચૂકવણી અને ઉઘરાણી માટે સુરતના ડિંડોલી વિસ્તારના બે શખ્સોને હાથો બનાવી ડમી આધારકાર્ડ, પાનકાર્ડ અને ગુમાસ્તાધારાના આધારે ડમી પેઢી ઉભી કરી ખોટા 55 બેન્ક એકાઉન્ટ ખોલી કરાઇ રહેલી નાણાંની હેરાફેરી પ્રકરણમાં પોલીસને સટોડીયાઓના બેન્ક એકાઉન્ટમાંથી 1218 કરોડના વ્યવહારો મળી આવ્યા હતા. આંતર રાષ્ટ્રીય સ્તરનું આ કૌભાંડ પ્રકાશમાં આવતાં પોલીસે આજે વધુ એક આરોપીની ધરપકડ કરી ચારેયના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આખું સટ્ટા નેટવર્ક કિશન અને અમિત નામના બે શખ્સો દુબઇથી ઓપરેટ કરતાં હોવાની આશંકા પોલીસ જતાવી રહી છે.
આર્થિક ગુના નિવારણ શાખા અને એસ.ઓ.જી.ની ટીમે શનિવારે મોડી સાંજે ડીંડોલી રાજમહલ મોલ દુકાન નંબર 119માં શીવ એન્ટરપ્રાઇઝ નામની ઓનલાઇન કાપડની આડમાં ઓનલાઇન સટ્ટા માટે નાણાંકીય વ્યવહારો થઇ શકે તે ડમી બેન્ક એકાઉન્ટની સુવિધા પૂરી પાડતા દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે અહીંથી હરીશ ઉર્ફે કમલેશ જરીવાલા સુનિલ ચૌધરી (રહે, સુભાષ નગર, લીંબાયત) અને ઋષિકેશ અધિકાર શિંદે (રહે, ગંગોત્રી નગર, લીંબાયત) ઉપરાંત સ્ટેશન રોડ લક્કડકોટ, ઝૈની કોમ્પલેક્ષમાં રહેતાં હુઝેફા કૌશર મકાસરવાળાની ધરપકડ કરી હતી. ત્રણેયની પૂછપરછમાં આખું નેટવર્ક આંતર રાષ્ટ્રીય કક્ષાનું હોવાનું ખુલ્યું હતું. યુક્રેનના સીમ કાર્ડ ઉપર મુખ્ય સૂત્રધારો દુબઇ બેસી આખું નેટવર્ક ઓપરેટ કરતા હતા અને તેમના ઇશારે જ સુરત અને અમદાવાદનાં શખ્સોને રોકી 55 ડમી બેન્ક એકાઉન્ટ બનાવી તેમાં સટ્ટાના આર્થિક વ્યવહારોની લેવડ દેવડ કરવામાં આવતી હતી. સર્ચ કરવામાં આવતાં અધધ 55 ડમી બેન્ક એકાઉન્ટ, 53 ડેબિટકાર્ડ, 30 ખોટા આધારકાર્ડ, 8 પાનકાર્ડ, 58 સીમકાર્ડ ઉપરાંત 17 ભાડાકરાર, પાંચ ગુમાસ્તા લાયસન્સ મળી આવ્યા હતા.
