નડિયાદઃ તાલુકાના હાથજ ગામની શાળામાં ચાલુ ગરબા કાર્યક્રમમાં કિશોરો ‘મુસ્લિમ ગ્રુપ-હાથજ’ નામ લખેલી ટીશર્ટ પહેરીને વચ્ચે આવી યા હુસૈનના નારા લગાવી તાજિયા રમવા લાગતા હોબાળો મચ્યો હતો. નડિયાદની હાથજ પ્રાથમિક શાળામાં શુક્રવારે ગરબા યોજ્યા હતા. બાળકો ગરબા રમી રહ્યા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ મુસ્લિમ ગ્રુપના નામ વાળી ટી શર્ટ પહેરી ગરબામાં આવી ગયા હતા અને છાતી કૂટતાં કૂટતાં યા હુસૈન યા હુસૈનના નારા લગાવતા શાળા સંકુલમાં હાજર તમામ આશ્ચર્યમાં મૂકાયા હતા.
શાળાના મુસ્લિમ વિદ્યાર્થીઓની સાથે કેટલીક મુસ્લિમ શિક્ષિકાઓ પણ છાતી ઠોકી યા હુસૈનના સૂત્રોચાર કરવા લાગ્યા હતા. તેમજ તાજિયાનુ સંગીત વગાડી બાળકોને તાજીયા રમાડ્યા હતા. આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. અખિલ ભારતીય સંત સમિતિ અને હાથજ સંઘર્ષ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ થયા બાદ તંત્ર દોડતું થયું હતું. એક અહેવાલ મુજબ આ ઘટનામાં ચાર શિક્ષિકાને સસ્પેન્ડ કરાઇ છે.

