પૂણે: દેશ-દુનિયામાં વિન્ડમેન તરીકે જાણીતા મૂળ રાજકોટના અને હાલ પૂણેમાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ તુલસી તંતીનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું હતું તેઓ 64 વર્ષના હતા. વડાપ્રધાન મોદીએ ટ્વિટથી શોક વ્યક્ત કરતાં કહ્યું કે તુલસી તંતી એક અગ્રણી વેપારી નેતા હતા. જેમણે ભારતની આર્થિક પ્રગતિમાં યોગદાન આપ્યું છે. સતત વિકાસને આગળ વધારવા માટે દેશના પ્રયાસોને મજબૂત કર્યા હતા. તેમના અકાળે નિધનથી દુ:ખી છું.
કંપનીના અધિકારી સૂત્રોએ જણાવ્યું કે તુલસી તંતી પૂણેથી અમદાવાદની યાત્રાએ હતા દરમિયાન તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. તેમને સંતાનમાં પુત્રી નિધિ અને પુત્ર પ્રણવ છે. 1958માં રાજકોટમાં જન્મેલા તુલસી તંતી સુઝલોન એનર્જીના પ્રમોટરોમાંથી એક હતા જેની સ્થાપના તેમણે 1995માં કરી હતી. અગાઉ તેઓ ટેકસટાઈલના કારોબારમાં હતા. વિન્ડ એનર્જી ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ 2001માં તેમણે ટેકસટાઈલ યુનિટ વેંચી નાખ્યું હતું. 1995માં પવન ઉર્જા ક્ષેત્રે પ્રવેશ બાદ તેમણે દેશ-વિદેશમાં આ ક્ષેત્રે કાઠું કાઢયું હતું. સુઝલોન એનર્જીની માર્કેટ કેપ હાલ રુ.8પ3પ.90 કરોડ છે. તુલસી તંતીના નેતૃત્વમાં સુઝલોન એનર્જીએ યુરોપના બજારમાં ભારે વિકાસ કર્યો. જર્મની, નેધરલેન્ડસ, ડેનમાર્કમાં કંપનીના શોધ-વિકાસ કેન્દ્રો છે. પવન ઉર્જા ક્ષેત્રે તેમણે દુનિયાભરમાં ડંકો વગાડયો હતો.
તેમનો જન્મ રાજકોટ નજીકના રાવકી ગામે થયો હતો. એ નાનપણથી જ ભણવામાં ખૂબ હોંશિયાર હતા. રાજકોટની સેન્ટ મેરી અને પી.ડી.માલવિયા કોલેજમાં અભ્યાસ કર્યો હતો તથા પોલિટેકનિક ઈન્સ્ટિટ્યુટમાંથી ડિપ્લોમા ઈન મિકેનિકલ એન્જિનિયારિંગની ડિગ્રી મેળવી હતી. ભણવાની સાથે એ ઇનોવેટીવ કાર્ય કરવામાં માનતા હતા. ઘણીવાર એ સિનેમામાં ઓપરેટર ન હોય તો એ કાર્ય પણ કરતા. તેમણે ટેકસટાઇલ અને વિન્ડફાર્મ પોતાની રીતે ઉભા કર્યા છે.
એમણે વર્ષ 1974માં રાજકોટમાં આમ્રપાલી સિનેમા બનાવ્યું. પછી તેઓ સુરત ગયા અને ત્યાં ટેકસટાઇલ ઉદ્યોગમાં આગળ વધ્યા. પરંતુ ઓછી વીજળીને કારણે તેમને ઉત્પાદનની સમસ્યા નડતી હતી. ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે પવન ઉર્જા ઉત્પાદનમાં ડગ માંડ્યા અને સુઝલોન એનર્જીની સ્થાપના કરી. ઉપલેટા નજીકના ઢાંક ગામેથી 1996થી સુઝલોનની શરૂઆત થઇ અને ત્યાર પછી એ ગ્રીન એનર્જીના પ્રણેતા બન્યા. ઉદ્યોગપતિની સાથે એક સારા સમાજ સેવક પણ હતા. તેમણે જયાં અભ્યાસ કર્યો એ સેન્ટ મેરીની નવી સંસ્થા સેન્ટ પોલ બનતા તેમાં દાન આપ્યું, આટકોટમાં કન્યા છાત્રાલય હોય કે કોઇપણ સામાજિક સંસ્થા એમાં એમણે પોતાનું યોગદાન આપ્યું છે. સુઝલોને 27 વર્ષમાં દેશ અને દુનિયાના 17 દેશોમાં 19 ગીગાવૉટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ઊભા કર્યા છે.

