અમદાવાદ : વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. અમદાવાદમાં રોડ શો યોજી અરવિંદ કેજરીવાલે ચૂંટણીનું રણશિંગુ ફુક્યુ છે.
અમદાવાદ શહેરમાં નિકોલ-બાપુનગરમાં રોડ શો વખતે કેજરીવાલે લોકોને અપીલ કરી કે, ભાજપનું 25 વર્ષથી શાસન છે. હજુ ભ્રષ્ટાચારનો અંત આવ્યો નથી. તમે અમને એક તક આપો, ન ગમે તો બદલી નાંખજો.તેમણે એવું ય કહ્યુંકે, હું ભાજપ-કોંગ્રેસને હરાવવા નહી પણ ગુજરાતીઓના દિલ જીતવા આવ્યો છું.
રોડ શો અગાઉ કેજરીવાલ અને ભગવંત માને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રધ્ધાજંલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત હૃદયકુંજની મુલાકાત લઇ બંને નેતાઓએ રેટિયો પણ કાંત્યો હતો.
આશ્રમમાં કેજરાવાલે કહ્યું કે, આશ્રમની મુલાકાત બાદ શાંતિનો અનુભવ થઇ રહ્યો છે. લાગે છેકે,ખરેખર અહી ગાંધીજીનો આત્મા વસી રહ્યો છે. મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર આવ્યો છું. ઉલ્લેખનીય છેકે, દિલ્હીમાં હુમલો થયા બાદ કેજરીવાલની સુરક્ષા વધુ કડક બનાવાઇ હતી.
મોડી સાંજે ચારેક વાગે અમદાવાદમાં નિકોલમાં ખોડિયાર માતાના મંદિરે દર્શન કરી કેજરીવાલે રોડ શોનો આરંભ કર્યો હતો. મેરા રંગ દે બસંતી ચોલાના ગીતના ગુંજ સાથે યોજાયેલા રોડ શો માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. સમર્થકોએ ભારત માતા કી જયના નારા લગાવી વાતાવરણ ગુંજવી દીધુ હતું. અરવિદ કેજરીવાલે કહ્યુંકે, આપણે દેશભક્ત બનવુ પડશે.દસેક વર્ષ પહેલાં અમને કોઇ ઓળખતું ય ન હતુ.
આજે દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવી છે. દસ દિવસમાં ભગવંત માને પંજાબમાં ભ્રષ્ટાચાર મિટાવી દીધો છે.ખાનગી શાળાઓમાં ફી વધારો નહી થાય.24 કલાક વિજળી અપાઇ રહી છે. તેમણે એમ પણ કહ્યુંકે, મને રાજકારણ આવડતુ નથી. અમે ભાજપ-કોંગ્રેસને હરાવવા નહી,સાડા છ કરોડ ગુજરાતીઓના દિલ જીતવા આવ્યા છીએ. તમે ભાજપને 25 વર્ષ તક આપી.
હવે અમને એક તક આપો, ન પસંદ પડે તો બદલી નાંખજો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પેપરલીક કૌભાંડ મુદ્દે પ્રતિક્રિયા આપી કે, ગુજરાતમાં પેપર લીક થાય છે. બધુંય લિકેજ છે જે બંધ કરવુ પડશે. ભાજપ શિક્ષણને વેચી રહી છે. તો દેશ કેવી રીતે આગળ વધશે. આમ આદમી પાર્ટી ભાજપના ઘમંડનો કાદવ ઝાડુથી સાફ કરશે.કમળ કાદવમાં ઉગે છે પણ કાદવને સાફ કરવા તો આખરે ઝાડુ જોઇએ.

