અમદાવાદ: મહાનગરો, શહેરોમાં વસવાટ કરતા નાગરિકોની સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કામો, અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝ માટે મ્યુનિસિપલ બોન્ડથી ભંડોળ મેળવી લોકલ અર્બન બોડીને ગ્લોબલ ફાયનાન્સિયલ માર્કેટ સાથે જોડવાની ગુજરાતની મનપાઓને સફળતા મેળવી છે એમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વડોદરા મહાનગરપાલિકાના સૌ પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ-2022ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ અવસરે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બેલ રીન્ગિંગ દ્વારા બીએસઇનીની દિવસભરની કામગીરીનો આરંભ કરાવ્યો હતો. વડોદરા મનપાએ કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રિજૂવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોરમેશન-“અમૃત’’ યોજના હેઠળ આપવા પાત્ર ફાળા માટેની રૂ. 100 કરોડની રકમ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી ઉભી કરવાની સફળતા મેળવી છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન સબક્રીપ્શન માટે ગત 24 માર્ચના આ બોન્ડ ઇસ્યુ ખોલવામાં આવ્યો હતો. આ ઇસ્યુ ખૂલતા વેત જ પ્રથમ સેકન્ડે જ 4 ગણું સબક્રાઇબ થયું હતું. એટલું જ નહીં, ઇસ્યુનો સમય પૂર્ણ થતા સુધીમાં તો મહાપાલિકાના રૂ. 100 કરોડના આ બોન્ડ સામે 33 રોકાણકારો દ્વારા 10.07 ગણું વધારે એટલે કે રૂ. 1007 કરોડની બિડ થઇ હતી. વડોદરા મહાપાલિકાનો આ બોન્ડ આજ સુધીના સૌથી ઓછા એટલે કે 7.15 ટકાના દરે સબક્રાઇબ થયેલો છે તે પણ એક સિદ્ધિ છે.

