ભુજ: ‘જય સ્વામિનારાયણ.. આપ સારું કામ કરો છો, હું કચ્છ અને કચ્છીઓ સાથે વધુ જોડાવા તત્પર છું...’ શબ્દો સાથે નવી દિલ્હી સંસદ ભવન ખાતે કચ્છી લેવા પટેલ સમાજ ભુજના પ્રતિનિધિ મંડળને આવકારતાં ભારતના હૃદયસમ્રાટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વ્યસ્તતા નહીં હોય તો પ્રત્યક્ષ અન્યથા પરોક્ષ રીતે કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને લોકાર્પિત કરવા સહમતી દર્શાવી હતી.
ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, સાંસદ વિનોદભાઇ ચાવડાના નેતૃત્વ કચ્છી આગેવાનો મોદીને મળ્યા હતા. ચાલુ સંસદગૃહ વચ્ચે મોદીએ સમય ફાળવી પ્રતિનિધિ મંડળને મહત્ત્વ આપ્યું હતું. તા.15 થી 17 એપ્રિલ ઉત્સવ ઉજવાશે જેમાં વડાપ્રધાનની પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરી હશે. કચ્છ અને કચ્છીઓને મળવા આતુર કચ્છપ્રેમી એવા નરેન્દ્રભાઇએ બન્નીના દૂધ માવાને યાદ કર્યો હતો. ભુજમાં નિર્માણાધિન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની વિગતો આપતાં ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઇ માવજી ગોરસિયાએ લોકાર્પણ કરવા પ્રત્યક્ષ પધારવા વિનંતી કરી હતી અને નિર્માણની વિગતો આપી હતી. કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા આ સુપર સ્પેશ્યલીટી હોસ્પિટલનું 200 કરોડના ખર્ચે નિર્માણ કરાઈ રહ્યું છે. કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈને આપ કચ્છ પધારો, કચ્છીઓ ઉપરાંત ભાજપ પરિવાર-કાર્યકર્તાઓનો ઉત્સાહ વધુ બળવત્તર બનશે એવી લાગણી વ્યક્ત કરી હતી. મુલાકાત સંકલનકર્તા કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અને સાંસદ વિનોદભાઇ ચાવડાએ પણ વિનંતી કરી હતી. પ્રત્યુત્તરમાં મોદીએ પોતાના આગામી કાર્યક્રમો જોઇ શક્ય હશે તો પ્રત્યક્ષ કાં પરોક્ષ હાજર રહી લોકાર્પણ કરવા ખાતરી આપી હતી.

