ગાંધીનગરઃ ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ફરી ભાજપમાં જોડાવાના સંકેત આપ્યાં છે. અષાઢી બીજે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પોતાના પૈતૃક વતનમાં આવેલા વાસણીયા મહાદેવના દર્શને બોલાવ્યા હતા. પાછલા એક સપ્તાહમાં આ નવાં સમીકરણ ઊભાં થયાં છે. પોતાની ડામાડોળ રાજકીય કારકિર્દીને કિનારે લાવવા મહેન્દ્રસિંહે આમ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન તેમની સાથે ગાંધીનગર જિલ્લાના આગેવાન અને શંકરસિંહ વાઘેલાના એક સમયના ખૂબ નજીકના ગણાતા હરિભાઇ ચૌધરી પણ હાજર હતા. 2018માં મહેન્દ્રસિંહ અમિત શાહના હસ્તે જ કેસરીયો ખેસ પહેરી ભાજપમાં જોડાયા. પરંતુ પિતા શંકરસિંહ નારાજ થતાં તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. તે પછી 2019ની મહેન્દ્રસિંહને ભાજપ ટિકિટ આપશે તેવી વાતો પણ વહેતી થઇ હતી.
