અષાઢે મેઘો અનરાધારઃ સમગ્ર ગુજરાતમાં મેઘમહેર

Tuesday 05th July 2022 14:34 EDT
 
 

અમદાવાદઃ ભારે વરસાદ થવાની કરાયેલી આગાહીને પગલે દક્ષિણ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ થયો છે. રાજ્યના 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીમાં સૌથી વધુ 61 મીમી અને ઉત્તર ગુજરાતમાં સતલાસણામાં 60 મીમી વરસાદ થયો છે. વડાલીમાં 45 મીમી માંડવી (સુરત)માં 39, વીરપુરમાં 38, તાપીના સોનગઢ માં 35, ખાંભા અને કરજણમાં 34 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ગણદેવી અને નેત્રંગમાં 30 મીમી, બરવાળા અને પલસાણામાં 29 મીમી, જોડિયા અને તિલકવાડામાં 27 મીમી વરસાદ નોંધાયો હતો. વાપી બારડોલી, દાંતા અને દિયોદરમાં 26 મીમી તેમજ જામનગર, અંકલેશ્વર અને જાંબુઘોડામાં ૨૫મીમી વરસાદ થયાના અહેવાલો છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ

રાજકોટ શહેરમાં સોમવારે બપોર બાદ વીજળી કડાકાાભડાકા સાથે એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરના જામનગર રોડ, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ રૈયા રોડ, કિનાશપરા ચોક, યુનિવસિર્ટી રોડ, કાલાવાડ રોડ અને મોરબી રોડ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક મુખ્ય માર્ગો પર એકથી બે ફૂટના પાણી ભરાઇ ગયાં હતા. જ્યારે ઉપલેટા પંથકમાં 3 કલાકમાં 4થી 5 ઇંચ વરસાદ પડ્યા લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. લાઠ ગામમાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

બોરસદમાં બારેય મેઘ ખાંગાઃ બે કલાકમાં ધમાકેદાર 12 ઈંચ

આણંદ જિલ્લામાં ગુરૂવારે રાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે બોરસદ તાલુકામાં બે કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબકતા ભારે તારાજી સર્જાઈ છે. આણંદ, ઉમરેઠ, ખંભાતમાં 1 ઇંચ, આંકલાવમાં 3 ઇંચ, તારાપુર-પેટલાદ તાલુકામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે. બોરસદ શહેર તેમજ ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારો, સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા અનેક ઝુંપડાઓ જમીનદોસ્ત થયા છે. મૃતદેહો શોધવા આણંદથી તરવૈયા બોલાવવા પડ્યા હતા.આણંદ જિલ્લાના બોરસદ પંથકમાં બારેય મેઘ ખાંગા થયા હોય એમ એક જ રાતમાં ૧૨ ઇંચ વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આણંદ જિલ્લાના આઠ તાલુકા પૈકી બોરસદ તાલુકામાં સૌથી વધુ 11.28 ઇંચ એટલે કે 282 મિમી વરસાદ એક જ રાત્રિમાં ખાબક્યો છે. આ ઉપરાંત આંકલાવમાં 78 મિમી પેટલાદ અને તારાપુરમાં 42 મિમી ભાદરણમાં 4 ઈંચ, સોજિત્રામાં 64 મિમી જ્યારે આણંદ, ઉમરેઠ અને ખંભાતમાં અનુક્રમે 28, 21 અને 26 મિમી વરસાદ નોંધાયો છે. જોરદાર વરસાદને કારણે બોરસદ શહેર સહિત તાલુકાના અનેક ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા

આણંદમાં બચાવકાર્ય માટે મુખ્યમંત્રીના આદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોરસદ તાલુકામાં થયેલા ભારે વરસાદને પગલે આણંદ કલેકટર મનોજ દક્ષિણી સાથે ટેલિફોનિક વાતચીત કરીને રાહત ને બચાવકાર્યની સમીક્ષા કરી હતી. બોરસદ તાલુકામાં અત્યાર સુધીમાં 830થી વધુ નાગરિકોનું સ્થળાંતકર કરવામાં આવ્યું છે. સ્થળાંતરીત નાગરિકો માટે ભોજન અને આરોગ્ય સુરક્ષા તેમજ વીજ પાણીનો પુરવઠો ઝડપથી પહોંચાડવા તેમણે આદેશ કર્યો હતો. વડોદરા ખાતે પણ NDRF અને SDRFને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ આણંદ કલેકટરને વરસાદને કારણે રસ્તાઓ ઉપરથી ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવાની કાર્યવાહીની ઝડપમાં વધારો કરવા સૂચના આપી હતી.


comments powered by Disqus