ગાંધીનગરઃ ગુજરાતના પ્રવાસન સ્થળોને વેગ મળે અને દરિયાકાંઠાના વિસ્તારોનો વિકાસ થાય તે હેતુથી રાજ્ય સરકારે 1630 કિ.મી. લાંબા કોસ્ટલ હાઈવે માટે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કરી છે. આ હાઈવે દક્ષિણ ગુજરાતના ઉમરગામથી કચ્છના નારાયણ સરોવર સુધીનો બનાવવાની યોજના છે.
સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આ કોસ્ટલ હાઈવે બનાવવા માટે 2400 કરોડનો ખર્ચ થાય તેમ છે અને કેન્દ્રની મંજૂરી મળ્યા પછી તે ત્રણ વર્ષમાં પૂરો કરવાની ધારણા રાખવામાં આવી છે. રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ જિલ્લાને આવરી લેતા પ્રથમ 300 કિ.મી.નો કોરીડોર તૈયાર કરવાનું કહ્યું છે.
પીએમ ગતિશક્તિ યોજના હેઠળ આ કોસ્ટલ હાઈવે બનાવવાનો થાય છે. જો મંજૂરી મળે તો આ કોસ્ટલ હાઈવે દેશનો સૌથી લાંબો હાઈવે હશે. કુલ લંબાઈમાંથી 140 કિ.મી.નો વિસ્તાર ગ્રીનફિલ્ડ કોસ્ટલ એરિયા તરીકે વિક્સાવવામાં આવશે. જ્યારે બાકી 1490 કિ.મી. એરિયા બ્રાઉનફિલ્ડ હશે.

