કચ્છની જળ, રણ સીમાએ એજન્સીઓ વચ્ચે ઓપરેશનલ સંકલન વધારાશે

Tuesday 05th July 2022 14:57 EDT
 
 

ભુજઃ રાજસ્થાનના જોધપુરમાં આર્મી,બીએસએફ અને કોસ્ટગાર્ડના વડાની સુરક્ષા મંથન મીટીંગ મળી હતી જેમાં ખાસ કરીને દરિયાઈ અને રણસીમાએ એજન્સીઓ વચ્ચે ઓપરેશનલ સંકલન વધારવા માટે ભાર મુકવામાં આવ્યો હતો. બોર્ડર અને કોસ્ટલ સિક્યોરિટી પર સુરક્ષા મંથન મીટીંગનું આયોજન જોધપુર ખાતે ડેઝર્ટ કોર્પ્સના નેજા હેઠળ બીએસએફના વડા પંકજકુમારસિંઘ, કોસ્ટગાર્ડના ડિરેક્ટર જનરલ વી.એસ.પઠાનિયા અને લેફ્ટનન્ટ જનરલ રાકેશ કપૂરની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.
ચર્ચા દરમિયાન, આંતરરાષ્ટ્રીય સરહદો અને દરિયાકાંઠાના ક્ષેત્રો પર એકંદર સુરક્ષાને વધારવા માટે આંતર-કાર્યક્ષમતા, ઓપરેશનલ સંકલન અને બારીક પાસાઓને છણાવટ કરવામાં આવી હતી.સુરક્ષા દળોમાં ઉચ્ચ સ્તરની તૈયારી હાંસલ કરવા માટે સંયુક્ત તાલીમની ચર્ચા કરવામાં આવી,સંયુક્ત પ્રતિભાવ સાથે વર્તમાન સુરક્ષા જોખમો અને પડકારો અંગે પણ ચર્ચા થઈ હતી.
સક્ષમ સુરક્ષા વાતાવરણ અને ક્ષમતા વિકાસ બનાવવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે,કચ્છના હરામીનાળામાંથી તાજેતરમાં જ પાકિસ્તાની બોટ સાથે પાક.માછીમારો પકડાયા હતા ત્યારે સુરક્ષાને લગતી બાબતોને લઈને આ મીટીંગ ઘણી સૂચક માનવામાં આવે છે.


comments powered by Disqus