ગુજરાતની પાટીદાર સંસ્થાઓ ‘વર્લ્ડ પાટીદાર ફેડરેશન’ હેઠળ એકત્ર થશે

Tuesday 05th July 2022 14:38 EDT
 

અમદાવાદઃ ‘વર્લ્ડ પાટીદાર ફેડરેશન’ હેઠળ ગુજરાતના પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ સંગઠી થાય તેવી અટકળો જોવા મળી રહી છે.
ગુજરાતના પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા વર્લ્ડ પાટીદાર ફેડરેશન બનાવવામાં આવી રહ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. જેના અનુસંધાને ગુરૂવારે અમદાવાદના સોલા ઉમિયાધામ ખાતે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોની એક બેઠક મળી હતી. જેમાં આગામી આયોજનના રોડ-મેપ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
વર્લ્ડ પાટીદાર ફેડરેશનના અધ્યક્ષ સી.કે. પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ, ઉમિયાધામ ઉંઝાના પ્રમુખ બાબુભાઈ જે. પટેલ સહિત વિવિધ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, હવે આગામી બેઠક સુરત ખાતે રાખવામાં આવશે. હાલમાં 15 સભ્યોની કોર કમિટી રચવામાં આવી છે.
મિટિંગમાં બિન અનામત આયોગના આર્થિક સહયોગથી વિદેશ જતાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ, જુદા જુદા વેપાર-ધંધાની લોન, આવક મર્યાદા તેમજ સામાજિક, શૈક્ષણિક, ખેતી વિષયક પ્રશ્નો અને પાટીદાર આંદોલન વખતના બાકી રહેલા કેસો પરત ખેંચવા વગેરે પ્રશ્નો સંદર્ભે સરકારમાં રજૂઆત કરવા અંગે ચર્ચા કરાઈ હતી. આ ચર્ચામાં દરેક સંસ્થાના પ્રતિનિધિઓએ ભાગ લીધો અને સમાજની એકતાને વધુ મજબૂત કરવા લાગણી દર્શાવી હતી.


comments powered by Disqus