વડોદરા: ચાણક્યએ કહ્યું છે કે, શિક્ષક કભી સાધારણ નહિ હોતા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નાનકડા ચોરપૂરા ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય આરીફખાન પઠાણે એમના સાથી શિક્ષકોના સહયોગથી વિદ્યોતેજક અનેક નવા પ્રયોગો અમલમાં મૂકીને શિક્ષકની અસાધારણતાનો દાખલો બેસાડ્યો છે. એમણે ગામ લોકોમાં બાળકોને શિક્ષણ આપવું જ જોઈએ એવો વિશ્વાસ દ્રઢ કર્યો છે.
રાજ્યની તમામ સરકારી શાળાઓની માફક આ શાળામાં પણ વિદ્યાર્થીઓ ને મધ્યાહન ભોજન યોજના હેઠળ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવે છે. જો કે તેમણે સેવાભાવી સમન્વય ટ્રસ્ટના સહયોગથી બાળકોને સાંજનું ભોજન પણ શાળામાં પીરસવાનો પ્રબંધ કર્યો છે. રાજ્યની કદાચ આ એકમાત્ર પ્રાથમિક શાળા હશે કે જેના વિદ્યાર્થીઓ સાંજે શાળા છૂટયા પછી ભોજન કરીને ઘેર જાય છે.
છેલ્લા દશેક વર્ષથી ગામલોકોની મદદથી કિચન ગાર્ડન એટલે કે શાળા શાકવાડી ઉછેરવામાં આવે છે.બિયારણનો પ્રબંધ આરીફભાઇ કરે છે જ્યારે ટ્રેકટર વડે જમીન ખેડી આપવાનું કામ ગામલોકો કરે છે. વાડીમાંથી મળતાં લીલા શાકભાજી મભયોના ભોજનમાં ઉમેરવામાં આવે છે.

