ભરૂચઃ જંબુસરના કાવી રીંગ રોડ પર વિશાલ કાલીદાસ રાઠોડની ગણેશ પ્રોવિઝન સ્ટોર આવેલી છે. રાત્રે 10.30ના અરસામાં તેઓ દુકાન બંધ કરી રહ્યાં હતાં. તે વેળાં ભાગલીવાડના માહીર નામના યુવાને આવી તેમની પાસેથી એક સિગરેટ ખરીદી હતી. તેઓએ માહિર પાસે સિગરેટના પૈસા માંગતાં તેણે તેમને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. માહિરે તેના સાગરિતોને મોબાઇલ કરી બોલાવતાં વાહનો પર 25થી 30 લોકોનું ટોળું ધસી આવ્યું હતું.તેઓ વિશાલ અને તેના ભાઇ સાથે ઝપાઝપી કરવા લાગ્યાં હતાં. ટોળા પૈકીના કેટલાંકે તેમની પાસેની બોટલોમાં ભરેલું જ્વલનશીલ પ્રવાહી તેમની દુકાન પર છાંટવાનો પ્રયાસ કર્યો હતો. તે વેળાં પાડોશમાં રહેતી બચીબેન નામની વૃદ્ધા છોડાવવા વચ્ચે પડતાં તેમણે વૃદ્ધા પર પણ જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું હતું. જોકે, ટોળું આગજનીની વારદાતને અંજામ આપે તે પહેલાં જ પોલીસ કાફલો ત્યાં દોડી આવતાં તમામ હૂમલાખોરો નાસી છુટ્યાં હતાં.

