જામનગરઃ ચોમાસા દરમિયાન હવામાન વિભાગ ભલે વરસાદની આગાહી કરતો હોય, પણ આજેય એવાં ગામો છે, જ્યાં પરંપરાગત પદ્ધતિથી વરસાદની આગાહી કરવામાં આવે છે.
જામનગર નજીક આવેલા આમરા ગામમાં રોટલાના આધારે વરતારો નક્કી કરવાની આ પરંપરા 150 વર્ષ જૂની હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે તમામ ગામલોકો એકઠા થાય છે. પરંપરા મુજબ ગામમાં રોટલા બનાવવામા આવે છે. ત્યાર બાદ એક વ્યકિત આ રોટલા લઈ ગામના ભમ્મરિયા કૂવા પર પહોંચે છે. આ સમયે ગામના તમામ લોકો ઢોલ-નગારા સાથે જોડાય છે. કૂવા પર પહોંચ્યા બાદ ગામના જ એક વ્યક્તિ રોટલો લઈ કૂવામાં પધરાવે છે. દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને આખરી રૂપ આપે છે. આ વિધિ પૂર્વે વેરાઈ માતાના મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે. લોકવાયકા પ્રમાણે, વર્ષો અગાઉ ખેતરે ભાત લઈને જતી મહિલાના હાથમાંથી રોટલા ઝૂંટવી લીધા પછી ગામ પર આફત આવી હતી. જે-તે સમયે આ કૂવામાં રોટલા પધરાવ્યા બાદ આફત ટળી હતી. ત્યારથી આ રસમ અપનાવાતી હોવાનું ગ્રામજનો કહે છે. જો પૂર્વ અને ઈશાન દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામલોકોને શ્રદ્ધા છે.
આ વરસે રોટલાની દિશા અતરાદી હોવાથી સારા વરસાદનું સૂચન કરતી હોવાથી વર્ષ સારું રહેશે અને સાથે પાછોતરો વરસાદ આવશે, એમ આમરા ગ્રામજનોએ જણાવ્યું હતું.

