જે દેશ આધુનિક ટેકનોલોજી અપનાવતો નથી તે પાછળ રહી જાય છેઃ મોદી

Tuesday 05th July 2022 14:40 EDT
 
 

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022નો પ્રારંભ કરાવ્યો હતો. આ વીક છઠ્ઠી જુલાઈ સુધી ઉજવાશે. 7 અને 8 જુલાઈ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા ડિજિટલ નોલેજનું આદાન-પ્રદાન કરવામાં આવશે. બપોરે અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત પછી મોદી સીધા મહાત્મા મંદિર આવી ગયા હતા. તેમણે ડિજિટલ મેળામાં લગાવાયેલા સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી.
મોદીએ કહ્યું કે માત્ર આઠ વર્ષ પહેલાંની સ્થિતિને યાદ કરવા જેવી છે. જન્મ સર્ટિફિકેટ, બિલ ભરવાની લાઈનો, રાશનની લાઈન, રિઝલ્ટની લાઈટ, બેંકોમાં લાઈન અને તમામ જગ્યાએ લાઈનો જોવા મળતી હતી. આ લાઈનનું સમાધાન કરી નાંખવામાં આવ્યું છે. ડીબીટીના માધ્યમથી આઠ વર્ષમાં 23 લાખ કરોડ રૂપિયા સીધા લાભાર્થીના બેન્ક ખાતામાં ગયા છે. આ ટેકનોલોજીના ઉપયોગથી 2.23 લાખ કરોડ રૂપિયા ખોટા હાથોમાં જતાં બચ્યાં છે. ચાર લાખથી વધુ નવા કોમન સર્વિસ સેન્ટર જોડવામાં આવ્યા છે.
મોદીએ કહ્યું હતું કે ડિજિટલ ઈન્ડિયાએ દલાલોનું નેટવર્ક બંધ કરી દીધું છે. આજે ગામડાં અને શહેરો વચ્ચેનું અંતર ઘટ્યું છે. ભ્રષ્ટાચારને મુક્તિ મળી છે. ડોક્ટરો અને હોસ્પિટલોનો ડેટા ઉપલબ્ધ છે. ટેલિમેડીસીનથી લાખો લોકોના કામ સરળ બની ગયાં છે. સરકારી કામગીરીમાં પારદર્શિતા આવી છે. લાંચ વિના તમામ કામો અને સુવિધા મળે છે વડાપ્રધાને કહ્યું હતું કે જે દેશ આધુનિક ટેકનોલોજી અપનાવતો નથી તે પાછળ રહી જાય છે.
વડાપ્રધાને કહ્યું કે 21મી સદીમાં જન્મેલા છે તેમના માટે ડિજિટલ લાઈફ ખૂબ મહત્ત્વની છે. દાહોદમાં આદિવાસીઓને મળવાનું થયું હતું જેમાં એક દિવ્યાંગ કપલ મળ્યું હતું. તેમણે થોડું કોમ્પ્યુટર શિખ્યું હતું અને ગામમાં કોમ્યુનિકેશન સર્વિસ સેન્ટર શરૂ કર્યું જેના દ્વારા તેઓ દર મહિને 28000 રૂપિયા કમાય છે. આજે વિશ્વના 40 ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શન માત્ર ભારતમાં થાય છે તે દેશની તાકાત છે. આજે મોલમાં જે ટેકનોલોજી છે તે ફૂટપાથ પર ધંધો કરતા વ્યક્તિ પાસે છે. કોરોના સમયમાં ત્રણ કરોડથી વધુલોકોએ મોબાઈલ પર તબીબી સલાહ લીધી છે.
મોદી 6ઠ્ઠી જુલાઈએ ફરી ગુજરાત આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ પછી એટલે કે 6ઠ્ઠી જુલાઈએ ફરી ગુજરાત આવી રહ્યાં છે. તેઓ રાજકોટમાં લાઇટહાઉસમાં પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે. ડ્રોન કેમેરાના માધ્યમથી તેઓ નિર્માણ કાર્ય જોશે. હાલ તમામ ફ્લેટનું રંગરોગાન તેમજ ફિનિશિંગ ચાલી રહ્યું છે. પ્રોજેક્ટ અંતર્ગંત 11 ટાવરમાં કુલ 1144 ફ્લેટ બનાવવામાં આવ્યા છે.
દેશમાં નવી ડિજિટલ સર્વિસિઝનું લોન્ચિંગ
1. ડિજિટલ ઈન્ડિયા ભાષીનીઃ ભારતીય ભાષાઓમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ એક્સેસને સક્ષમ કરશે, જેમાં વોઈસ-આધારિત એક્સેસનો સમાવેશ થાય છે.
2. ડિજિટલ ઈન્ડિયા જિનેસિસ (ઈનોવેટિવ સ્ટાર્ટઅપ માટે જનરલ નેકસ્ટ સપોર્ટ)ઃ એક રાષ્ટ્રીય ડીપ-ટેક સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ, જે ભારતના ટિયર-II અને ટિયર-III શહેરોમાં સફળ સ્ટાર્ટઅપ્સને શોધવા કામ લાગશે. આ યોજના માટે કુલ 750 કરોડનો ખર્ચ થશે.
3. ઈન્ડિયાસ્ટેક ગ્લોબલઃ આધાર, યુપીઆઈ, ડિજિલોકર, કોવિન વેક્સિનેશન પ્લેટફોર્મ, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ (GeM), DIKSHA PLATFORM અને આયુષ્યમાન ભારત ડિજિટલ હેલ્થ મિશન જેવા ઈન્ડિયા સ્ટેક હેઠળ અમલમાં મૂકાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સનું વૈશ્વિક ભંડાર છે.
4. માય સ્કીમઃ સરકારી યોજનાઓ સુધી પહોંચવાની સુવિધા આપે છે. તેનો ઉદ્દેશ્ય વન-સ્ટોપ સર્ચ અને ડિસ્કવરી પોર્ટલ ઓફર કરવાનો છે જ્યાં વપરાશકર્તાઓ તેઓ માટે લાયક હોય તેવી સ્કિમ શોધી શકે. તે નાગરિકોને મેરી પહેચાન પણ સમર્પિત કરશે.
5. મેરી પહેચાનઃ આ એક નેશનલ સિંગલ સાઈન ઓન ફોર વન સિટીઝન લોગિનની સુવિધા છે. યુઝર ઓથેન્ટિકેશન સેવા છે જેમાં વિવિધ ઓળખપત્રો, ઓનલાઈન એપ્લિકેશન અને સેવાઓની પહોંચી સુનિશ્ચિત કરશે.
6. ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ (C2S) પ્રોગ્રામ હેઠળ સહાયિત થનારી 30 સંસ્થાઓના પ્રથમ જૂથની પણ જાહેરાત કરવામાં આવી છે. C2S પ્રોગ્રામનો હેતુ સ્નાતક, માસ્ટર્સ અને સંશોધન સ્તરે સેમીકન્ડક્ટર ચિપ્સની ડિઝાઈનના ક્ષેત્રમાં વિશેષ માનવશક્તિને તાલીમ આપવાનો છે અને દેશમાં સેમીકન્ડક્ટર ડિઝાઈન સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપ્સના વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરવાનો છે.
પીએમની રાજભવનમાં સંસ્કારધામના પ્રતિનિધિઓ સાથે બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજભવનમાં દોઢેક કલાકનું રોકાણ કર્યુ હતુ. રોકાણ દરમિયાન તેઓ અમદાવાદ સ્થિત શૈક્ષણિક સંસ્થા સંસ્કાર ધામના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજી હતી.


comments powered by Disqus