દેશના પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો જૂનાગઢ ખાતે પ્રારંભ

Tuesday 05th July 2022 14:56 EDT
 
 

જૂનાગઢઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ ખાતે દેશના પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્રની પ્લાસ્ટિક મુક્તિ તરફની આ પહેલને સમગ્ર દેશમાં પ્રેરણા મળવાની સાથે દેશભરમાંથી સન્માન પણ પ્રાપ્ત થશે. પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો નવો વિચાર છે તેનાથી પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન મળશે.
જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા આઝાદ ચોક ખાતેના આ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેને રાજ્યપાલે ખૂલ્લું મૂકવાની સાથે પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની વ્યવસ્થા-સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. નોંધનીય છે કે, અહીં 1 કિલો પ્લાસ્ટિક જમા કરાવનારને ફ્રીમાં ઢોકળા અથવા પૌવા જ્યારે 500 ગ્રામ પ્લાસ્ટિક જમા કરાવનારને લીંબુ અથવા વરિયાળીનું શરબત અપાશે.
દરરોજ 26,000 ટન પ્લાસ્ટિક વપરાય છે
​​​​​​​હવે 75 માઇક્રોન પ્લાસ્ટિકની મંજૂરી છે, જે 2022માં 120 માઇક્રોન થઇ જશે. પ્લાસ્ટિક 400 વર્ષ સુધી નાશ પામતું નથી. દેશમાં દરરોજ 26,000 ટન પ્લાસ્ટિક વપરાય છે જેમાંથી 10,000 ટન અનકલેકટેડ રહે છે. આવું પ્લાસ્ટિક બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, નદી, દરિયામાં ભેગું થાય છે.


comments powered by Disqus