મહારાષ્ટ્રમાં સરકાર બદલાતા બુલેટ ટ્રેન હવે વાપીમાં નહીં અટકે, છેક મુંબઈ જશે

Tuesday 05th July 2022 14:44 EDT
 
 

અમદાવાદઃ ભારતના સર્વપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે દોઢ વર્ષ અગાઉ મુખ્યમંત્રી ઠાકરે એ જાહેરમાં વિરોધ કર્યો હતો. મહાવિકાસ અઘાડી સરકારે ગુજરાતની હદ પછી પોતાના રાજ્ય મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની પ્રક્રિયા બંધ કરતા ભારત સરકારે એક તબક્કે શરૂઆતના સ્તરે બુલેટ ટ્રેન અમદાવાદથી વાપી સુધી જ દોડાવવાની તૈયારી શરૂ કરી હતી. પરંતુ, હવે મહારાષ્ટ્રમાં જ ઠાકરે સરકારને બદલે ભાજપ સમર્થિત શિંદે સરકારની રચના થતા થાણે, મુંબઈ સહિતના જિલ્લાઓમાં જમીન સંપાદનની પ્રક્રિયા જેટ વિમાનની ગતિએ આગળ વધશે તે નિશ્ચિત થઈ ચૂક્યુ છે.
ઉધ્ધવ ઠાકરેના વિરોધ અને અસહકારભર્યા વલણને કારણે અગાઉ પહેલાથી જ વિલંબિત થઈ રહેલા આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે વર્ષ 2026 સુધીમાં સુરતથી બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડતી કરવાનું કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે છઠ્ઠી જૂને જાહેર કર્યુ હતું. પરંતુ, ત્યાર પછીના બે જ સપ્તાહમાં બદલાયેલા ઘટનાક્રમ વચ્ચે ગુરૂવારે મહારાષ્ટ્રમાં નવી સરકાર અસ્તિત્વમાં આવે તે પહેલા જ તેમણે દિલ્હીમાં જાપાનના ડેલિગેશન સાથે બેઠક યોજીને આગળની કામગીરી માટે સમિક્ષા કર્યાનું જાણવા મળ્યુ છે. આ પ્રોજેક્ટ જાપાન સરકારના આર્થિક અને તકનિકી સહયોગથી ભારતને મળ્યો છે.
અમદાવાદ- મુંબઈ વચ્ચેના 508 કિલોમીટરના કોરિડોરમાં દરમહિને 50 પિલર બની રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં જમીન સંપાદન સહિતના ક્ષેત્રોમાં રૂ.74 હજાર કરોડનુ રોકાણ થઈ ચૂક્યુ છે. આ રૂટમાં 12 સ્ટોપેજ હશે અને બુલેટ ટ્રેન શરૂ થતા 350 કિલોમીટરની ઝડપે એક પણ સ્ટોપેજ વગર અમદાવાદથી મુંબઈ 2.07 કલાકમાં પહોંચી શકાશે.


comments powered by Disqus