યુએસમાં વસતા બોરસદના ભટ્ટ પરિવાર દ્વારા ચારુસેટ હોસ્પિટલને 2 લાખ ડોલરનું દાન

Tuesday 05th July 2022 15:06 EDT
 
 

ચાંગા: ચરોતરના બોરસદના વતની અને છેલ્લા 51 વર્ષોથી અમેરિકાના એરિઝોનામાં સેડોના સ્થિત ભટ્ટ પરિવાર કુંજુબહેન ભટ્ટ અને તેમના બે ભાઈઓ હર્ષદભાઈ ભટ્ટ અને નયનભાઇ ભટ્ટ દ્વારા ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (CHRF) સંચાલિત ચારુસેટ હોસ્પિટલ-ચાંગાને 2 લાખ ડોલર (લગભગ રૂ. દોઢ કરોડ)નું માતબર દાન અપાયું છે. ભટ્ટ પરિવાર દ્વારા તેમના માતાપિતા તારાબહેન અને નટવરલાલ ભટ્ટની સ્મૃતિમાં આ દાન અપાયું છે. કુંજુબહેન, હર્ષદભાઈ અને નયનભાઇ દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઉમદા અને સમાજોપયોગી સત્કાર્યો કરવાનો અને દાન આપવાનો નિર્ણય કરાયો હતો જેના ભાગરૂપે આ માતબર દાન CHRFને પ્રાપ્ત થયું છે.
ઉલ્લેખનીય છે કે કુંજુબહેન, હર્ષદભાઈ અને નયનભાઇના સદગત પિતા નટવરલાલ ભટ્ટ સામાજિક અગ્રણી અને પરિવારમાં અને સમુદાયમાં વહાલાભાઈ તરીકે જાણીતા હતા. તેમના પરિવારે આજીવન સંઘર્ષ કર્યો. ત્રણેય ભાઇબહેન અમેરિકામાં 1970માં જઇ વસ્યા પછી પહેલાં કેલિફોર્નિયા અને ત્યાર બાદ એરિઝોનામાં સ્થાયી થયા છે. તેઓ અમેરિકામાં આવ્યા ત્યારથી તેઓ કેળવણી મંડળના ટ્રસ્ટી - CHRFના વાઈસ પ્રેસિડન્ટ - ચારુસેટની ગવર્નિંગ બોડીના સભ્ય વિરેન્દ્રભાઈ પટેલ સાથે સંકળાયેલા છે. ભટ્ટ પરિવારે વિરેન્દ્રભાઈ સાથેની વાતચીત દરમિયાન ચારુસેટને દાન આપવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. તેઓ વિરેન્દ્રભાઈ પટેલ દ્વારા થતા સામાજિક કાર્યોથી પ્રભાવિત થઈ, ચારુસેટ યુનિવર્સિટીના પ્રમાણિક્તા - સંવાદિતા - પારદર્શિતાના સિદ્ધાંતોથી આકર્ષાઈ દાન આપવા પ્રોત્સાહિત થયા હતા. આ પરિવારનું બે લાખ ડોલરનું માતબર દાન સમાજ માટે આરોગ્યલક્ષી પ્રવૃતિઓ કરવામાં મદદરૂપ થશે. નવાઈની વાત એ છે કે ભટ્ટ પરિવારે હજુ સુધી ક્યારેય ચારુસેટ કેમ્પસ નિહાળ્યું પણ નથી, પરંતુ વિરેન્દ્રભાઈ સાથેના સંબંધો અને વિશ્વાસના કારણે આ દાન આપ્યું છે.
અમેરિકામાં ચારુસેટ એજ્યુકેશન ફાઉન્ડેશન નામની સંસ્થા 2012માં રજિસ્ટર્ડ થયેલી છે. ફાઉન્ડેશનમાં દર વર્ષે નાના મોટા દાન અમેરિકામાં વસતા વિવિધ દાતાઓ દ્વારા અપાય છે. અમેરિકામાં ફાઉન્ડેશનનો કાર્યભાર પ્રેસિડન્ટ વિરેન્દ્રભાઈ પટેલ, વાઈસ પ્રેસિડન્ટ સમીર વી. પટેલ અને સેક્રેટરી પંકજ બી. પટેલ સંભાળે છે. નોંધપાત્ર બાબત છે કે અત્યાર સુધીમાં 5 મિલિયન ડોલર ચારુસેટ એજ્યુકેશન ફાઉન્ડેશનમાં દાન આપવામાં આવ્યું છે.


comments powered by Disqus