અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે અત્યારેથી જ જોરશોરથી તૈયારીઓ આદરી છે. આરએસએસ ઉપરાંત ખાનગી એજન્સી દ્વારા સર્વે કરાવીને ભાજપે ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિનો અંદાજ મેળવી લીધો છે. આ ઉપરાંત ધારાસભ્યોથી માંડીને નેતાઓની ટીમ મોકલીને કાર્યકર્તા સાથે સંવાદ યોજીને પણ બેઠક દીઠ શું સ્થિતિ છે તેની વિસ્તૃત રાજકીય માહિતી પણ એકત્ર કરી લીધી છે.
સૂત્રોના મતે, હવે કઈ બેઠક પર કોને ટિકિટ આપવી તે અંગે ભાજપે કવાયત આદરી છે. ભાજપે સંભવિત ઉમેદવારો મામલે સ્થાનિક નેતા-કાર્યકરો સાથે ટેલિફોનિક સંવાદ કરીને પૃચ્છા કરવાનું શરૂ કર્યું છે. ભાજપે સંભવિત ઉમેદવારના વર્તમાન હોદ્દો શું છે, તેમની કામ કરવાની પદ્ધતિ કેવી છે, મત વિસ્તારમાં રાજકીય પ્રભાવ કેવો છે, વિવિધ સમાજોમાં કેવી છાપ ધરાવે છે, કાર્યકરો સાથે તાલમેલ રાખે છે કે કેમ, આમ જનતાના પ્રશ્નો ઉકેલવામાં પૂરતું ધ્યાન આપે છે, તેમના ચારિત્ર્ય વિશે મતદારોમાં કેવી છાપ છે, સંગઠન પ્રત્યે કેવી કામગીરી છે. આ પ્રશ્નો પૂછીને સંભવિત ઉમેદવાર વિશે ઝીણવટભરી માહિતી મેળવવામાં આવી રહી છે.
