અમદાવાદ: સોખડા મંદિરના બે સ્વામી વચ્ચેના વિવાદ મામલે હાઈકોર્ટમાં બંને સ્વામીઓના વકીલ વચ્ચે મુદત લેવા મામલે બોલાચાલી થઈ હતી. તેમાં પ્રબોધ સ્વામીએ એવી રજૂઆત કરી હતી કે, સાધુઓ રસ્તા પર આવી જશે. વચગાળાની વ્યવસ્થા એવી છે કે, બંધકોને નક્કી કરેલી જગ્યા પર રાખવા, પરંતુ સાધુઓ પાસે કાયમી કોઈ વ્યવસ્થા નથી. મીડિએશન પણ નિષ્ફળ ગયું છે. આવા સમયે સિનિયર કાઉન્સિલને દલીલ કરવા માટે મુદતની જરૂર છે. આખા ટ્રસ્ટની 59 મિલકત છે અને પ્રેમસ્વરૂપ સ્વામીને માત્ર આ એક જ મિલકતમાં સમસ્યા છે. આ મામલે વધુ સુનાવણી 11 જુલાઈએ હાથ ધરવામાં આવશે.
સોખડા મંદિરના સાધુઓને બંધક બનાવવા અને મિલકતના ટ્રસ્ટી બનવા અંગેના વિવાદમાં થયેલી હેબિયસ કોર્પસની સુનાવણી દરમિયાન પ્રબોધ સ્વામી તરફથી એડવોકેટ દ્વારા મુદત માગવામાં આવી હતી, જેનો પ્રેમસ્વરૂપ સ્વામી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રેમસ્વરૂપ સ્વામીએ એવી દલીલ કરી હતી કે, જે જગ્યાએ સાધુઓને રાખ્યા છે તે જગ્યાએ વિદ્યાર્થીઓને ભણવામાં ડિસ્ટર્બન્સ થઈ રહ્યંુ છે. સોખડાની આ મિલકત મુખ્ય સ્કૂલ છે, તેથી ત્યાં કાયમી રહેવું શક્ય નથી. આથી તેમને બીજે ખસેડવા જોઈએ. જ્યારે પ્રબોધ સ્વામી તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, જ્યાં સાધુઓને રાખ્યા છે ત્યાં જમવાનું પણ બંધ થઈ જાય છે.
મુદત લેવા બાબતે બંને સ્વામીઓના વકીલ વચ્ચે ગરમાગરમી થતાં હાઈકોર્ટના જસ્ટિસ વિપુલ પંચોલીની ખંડપીઠે બંનેને શાંત પાડ્યા હતા. હવે આ મામલે 11 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

