ઇન્દોરના મંદિરની વાવની છત ધસતાં 35નાં મોતઃ 11 નખત્રાણાના

Friday 31st March 2023 03:33 EDT
 

ઇન્દોરઃ ઇન્દોરમાં રામનવમીના તહેવાર પર એક મોટી દુર્ઘટના સર્જાઈ. પટેલનગરમાં આવેલા બેલેશ્વર મહાદેવ મંદિરમાં આવેલી વાવની છત ધસી પડતાં 60થી વધુ લોકો તેમાં સમાઈ ગયા હતા, જેમાં 35 લોકોનાં મોત નીપજ્યાં છે. દુર્ઘટનામાં મૂળ કચ્છના નખત્રાણાના અને વર્ષોથી ધંધાર્થે ઇન્દોર સ્થાયી થયેલા પટેલ પરિવારના 11 લોકો પણ મોતને ભેટ્યા છે.

મંદિરમાં આ પ્રકારે મોટી દુર્ઘટના સર્જાતાં રેસ્ક્યૂ ઓપરેશનમાં આર્મી અને એનડીઆરએફની ટીમને ઉતારવામાં આવી હતી, જે અંતર્ગત 140 જવાન દ્વારા રેક્સ્યૂ હાથ ધરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે મંદિરમાં આવેલી 60 ફૂટ ઊંડી વાવને ઢાંકી તેના પર છત બનાવવામાં આવી હતી. ઘટના સમયે હવન ચાલી રહ્યો હતો અને અન્ય લોકો બેઠા હતા. એકાએક વજન વધી જતાં વાવની છત તૂટી પડી અને તેના પર બેઠેલા તમામ લોકો વાવમાં સમાઈ ગયા, જેમના પર છતનો કાટમાળ પડ્યો હતો. વાવમાં પુરુષો, મહિલાઓ અને બાળકો સહિત 60થી વધુ લોકો સમાઈ ગયા હતા.
મૃતકોનાં અંગોનું કરાશે દાનઃ પરિવારનો મોટો નિર્ણય
બેલેશ્વર મંદિર દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયાને ગુમાવનારા પરિવારજનો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાક પરિવાર દ્વારા તેમના મૃતક સ્વજનનાં અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા 8 લોકોના પરિવારે તેમની આંખ અને ત્રણ પરિવારે સ્કિનનું દાન કર્યું છે. આ કપરી સ્થિતિમાં પરિવાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને સ્થાનિક અધિકારીઓ અને લોકોએ બિરદાવ્યો હતો.
40 વર્ષ પહેલાં વાનને ઢાંકી કરાયું હતું નિર્માણ
બેલેશ્વર મહાદેવ મંદિરમાં રામનવમી નિમિત્તે કરાયેલા હવન કાર્યક્રમમાં લોકો પૂર્ણાહુતિ માટે આગળ વધ્યા ત્યારે જ છત વાવમાં બેસી ગઈ હતી. 60 વર્ષ જૂના આ એકદમ નાના મંદિરમાં 40 વર્ષ પહેલાં પરિસરમાં આવેલી વાવને ઢાંકી દઈ મંદિરનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી શિવરાજસિંહે આપ્યા તપાસના આદેશ
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મંદિરમાં થયેલી દુર્ઘટના અંતે તપાસના આદેશ આપ્યા છે. મંદિરમાં આવેલી વાવ પર કોના આદેશથી સ્લેબ નાખવામાં આવ્યો હતો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય મુખ્યમંત્રી દ્વારા મૃતકના પરિવારને રૂ. 5 લાખની સહાય જાહેર કરવામાં આવી છે, તો ઘાટલોને રૂ. 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે.


comments powered by Disqus