ગાંધીનગર: મુખ્યમંત્રી કાર્યાલયના અધિક જનસંપર્ક અધિકારી (એડિશનલ પીઆરઓ) હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાનું નામ મહાઠગ કિરણ પટેલના કેસમાં સંડોવાતાં હિતેષ પંડ્યાએ નૈતિકતાના ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ તબક્કે હિતેષ પંડ્યા 31 માર્ચ સુધી સીએમઓમાં કાર્યરત્ રહેશે અને પેન્ડિંગ કામોને પૂરા કરશે. ત્યારબાદ 1 એપ્રિલથી તેઓ સીએમઓમાં કામગીરી કરશે નહીં. આ અગાઉ હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાને પણ ભાજપના સંગઠનમાંથી દૂર કરાયા છે. મહાઠગ કિરણ પટેલ પ્રકરણમાં પુત્ર પોલીસ સકંજામાં આવ્યા બાદ સીએમ પીઆરઓ હિતેષ પંડ્યાનું પણ રાજીનામું માગી લેવાશે એ મુજબની દિવસભર ચાલતી રહેલી ચર્ચા વચ્ચે 24 માર્ચે શુક્રવારની રાત્રે તેમણે આખરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
મુખ્યમંત્રી કાર્યાલયમાં જનસંપર્ક અધિકારી તરીકે બે દાયકાથી કાર્યરત્ હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા ભાજપના પ્રાથમિક સભ્ય છે. તેમની નિમણૂક પ્રદેશ ભાજપે સોશિયલ મીડિયા સેલમાં કરી હતી. આ વિવાદ બહાર આવતાં ભાજપે અમિતને પણ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી સોશિયલ મીડિયા સેલમાંથી દૂર કર્યા હતા.
પીએમ-સીએમની પ્રતિષ્ઠા ન ખરડાય માટે રાજીનામું આપ્યુંઃ હિતેષ પંડ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયમાં એડિશનલ પીઆરઓ તરીકે કામ કરતા હિતેષ પંડ્યાએ શુક્રવારે રાજીનામું આપી દીધા બાદ બીજા દિવસે ખુલાસો કરતાં કહ્યું કે, મારા સર્જક જ નરેન્દ્ર મોદી છે. મારું નામ વિવાદમાં ઊછળ્યું તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બદનામી ન થાય તેવા આશયથી મેં રાજીનામું આપ્યું છે. હું 31 માર્ચે સરકારી સેવામાંથી મુક્ત થઈ રહ્યો છું.
CM કાર્યાલયના કર્મચારીઓને ઓફિસ અવર્સમાં મોબાઇલ વાપરવાનો પ્રતિબંધ
મહાઠગ કિરણ પટેલના કિસ્સામાં મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી હિતેષ પંડ્યાના પુત્ર અમિતનું નામ બહાર આવતાં હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાર્યાલયમાં કામ કરતા તમામ હંગામી કર્મચારીઓને ઓફિસ અવર્સ દરમિયાન મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કર્મચારીઓને કચેરીના કામકાજના કલાકો દરમિયાન માત્ર ઇન્ટરકોમનો જ ઉપયોગ કરવાનો રહેશે.
મુખ્યમંત્રી કાર્યાલયનાં સૂત્રો જણાવે છે કે, અહીંના કેટલાક લોકોના સંપર્કો કિરણ અથવા અમિત સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હોવાની શંકાને પગલે આ હુકમ કરાયો છે. હજુ આ પ્રતિબંધ ક્યાં સુધી રહેશે તે નક્કી નથી.
કિરણની પત્ની માલિનીની ધરપકડ
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાની ફરિયાદ પર મહાઠગ કિરણ પટેલનાં પત્ની માલિની પટેલની પણ નડિયાદથી ધરપકડ કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે અગાઉ માલિની પટેલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જગદીશ ચાવડાએ કાશ્મીરથી કિરણના પકડાયા બાદ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચમાં તેમના બંગલાને પચાવી પાડવા અંગે ફરિયાદ નોંધાવતાં માલિની ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી.

