અમદાવાદઃ માવઠાના કારણે ઘઉં અને ઇસબલુગના પાકને મોટું નુકસાન થયું છે. એકલા ઉત્તર ગુજરાતમાં ઘઉં અને ઇસબગુલના પાકને અબજો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનો કેરીના પાકને 70 ટકા નુકસાન થયું હોવાનું વલસાડના ખેડૂતોનું કહેવું છે. કેસર, આફૂસ કેરી બહુ જ ઓછી મળશે. 10 મે પછી તે મળવી પણ મુશ્કેલ બની જશે. આ જ રીતે હોળીના અરસાથી જ ઘઉંની લણણીનો આરંભ થતો હોવાથી તેના પાકને ખાસ્સું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કૃષિ નિષ્ણાતોનું કહેવું છે કે, હોળીના અરસાથી ઘઉંની લણણીનો આરંભ થાય છે. આ લણણી પૂરી થઈ નથી, તેથી તેને 20 ટકા સુધી નુકસાન થઈ શકે છે. ઘઉંના ઊભા પાકને પાણી લાગી જવાથી દાણાની ગુણવત્તા પર તેની અસર પડવાની સંભાવના છે. બીજું કમોસમી વરસાદના પાણીના ભારથી છોડ નમી જવાની અને દાણા છૂટા પડી જવાની શક્યતા રહેલી છે. હોળી પછી લણણી ચાલુ કરી હોય તેમણે પણ લણણી કર્યા પછી ખળામાં ઘઉં રાખી મૂક્યા હોવાથી તેમના લણેલા ઘઉંને પણ નુકસાન થયું હોવાની શક્યતા છે. કાચા અંદાજ મુજબ ઘઉંના પાકને 20થી 22 ટકાના નુકસાનની શક્યતા છે. જો કે ઘઉંનું વાવેતર પણ ગતવર્ષ કરતાં વધુ રહ્યું હોવાથી હાલને તબક્કે તેની તીવ્ર અછત સર્જાવાની સંભાવના સીમિત છે.
ઘઉંની માફક જ ઇસબગુલના પાકની લણણીનો સમય નજીક આવી રહ્યો છે. તેની લણણી બાકી છે. તેને વરસાદનું પાણી અડી જાય તો ખાસ્સું નુકસાન થઈ શકે છે. કૃષિ નિષ્ણાતોના અંદાજ મુજબ ઇસબગુલના પાકને અંદાજે 25 ટકાની આસપાસનું નુકસાન થઈ શકે છે. ગુજરાતના કચ્છ વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હોવાથી ઇસબગુલના પાકને બહુ નુકસાન થયું હોવાનું જણાતું નથી. જો કે ઇસબગુલની લણણી પણ 15-20 દિવસથી ચાલુ થઈ ગઈ હતી. તેથી ખાસ્સો માલ ગોડાઉનમાં પહોંચી ગયો હોવાની શક્યતા છે. કેરીના પાકને નુકસાન થવાનું કારણ આપતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો કહે છે કે દિવસે ગરમી અને રાત્ર 18 ડિગ્રીથી પણ ઓછું તાપમાન થઈ જતું હોવાથી કાચી કેરી (મ૨વા)માંથી ગોટલીની સ્ટ્રેન્થ જ આવતી નથી. તેની ફલિનીકરણની ટ્યૂબ જ સંકોચાઈ જવાથી તેનો વિકાસ જ રુંધાઈ જાય છે. પરિણામે દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને 70 ટકા નુકસાન થવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા બદલાવને કારણે કેરીના પાકને બહુ જ મોટું નુકસાન થયું છે. પરિણામે આ વર્ષે ઉનાળામાં કેરી મળવી દોહ્યલી થઈ જશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ સાથે પવન ફૂંકાતાં કેરી પણ ખાસ્સી પડી ગઈ છે. તેથી પણ કેરીનો ફાલ ખાસ્સો ખતમ થઈ ગયો છે.
ધાણાની લણણી પૂરી થઈ ગઈ છે, તેમજ ઊંઝા માર્કેટ યાર્ડમાં રોજની 25000થી વધુ બોરી ધાણાની આવક થઈ રહી છે. કાઠિયાવાડના બજારોમાં તો ધાણાની તેનાથી પણ વધુ મોટી આવક એપીએમસીમાં થઈ રહી છે. પરિણામે ધાણાની લણણી બાકી રહી ગઈ હોય તેટલા પાકમાંથી સીમિત પાકને નુકસાન થયું હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
બાજરીના પાકને બહુ નુકસાન થયું નથી. વરસાદ થોડો ઘણો પડે તો તેનાથી બાજરીને નુકસાન થતું નથી. એરંડા ઊભા છે તેને નુકસાન ન થાય. બહુ જોરથી પવન આવે તો જ તેની ડાળ ભાંગી જવાની સમસ્યા થઈ શકે છે. ઉનાળું મગફળીને નુકસાન થવાની સંભાવના નહિવત્ છે. સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં પણ મગફળીનો પાક લેવાઈ રહ્યો છે તેના પાકને ખાસ કોઈ નુકસાન થયું નથી. મોટાભાગનો કપાસ લેવાઈ ગયો છે.

