જાફરાબાદની 160 સશક્ત મહિલાઓએ જાતમહેનતે બનાવ્યો પુલ

Wednesday 29th March 2023 06:41 EDT
 
 

રાજુલા: સામાન્ય રીતે રોડ કે નાના પુલને મંજૂર કરવા માટે સરકારમાં રજૂઆત કરવી પડે. જે બાદ તેની મંજૂરી મળે અને ટેન્ડરિંગ પ્રક્રિયા થાય અને બાદમાં પુલ બને. જો કે જાફરાબાદની મહિલાઓએ એક અનોખી કામગીરી કરી છે. જાફરાબાદમાં દરિયાકાંઠે વહાણવટી સિકોતર માતાજી મંદિર આવેલું છે. અહીંનો કોળી સમાજ આ માતાજીમાં ખૂબ આસ્થા ધરાવે છે. અહીં આવતા ભક્તોને દર્શને જવા દરિયાકાંઠે સાંકડો રસ્તો અને ખાડો છે તે પસાર કરવામાં ભારે હાલાકી પડતી હતી.
આ હાલાકીને ધ્યાને લઈ અહીંની 160 મહિલાઓ મહિલાઓનું ગ્રુપ કામે લાગી જઈ 6 માસમાં રૂ. 6 લાખના ખર્ચે પુલનું નિર્માણ કર્યું હતું. ચૈત્રી નવરાત્રી નિમિત્તે જાફરાબાદના સર્વ સમાજ માટે વિસ્તારમાં આવેલા સિકોતર માતાજીના મંદિરે યજ્ઞ-પૂજા રાખવામાં આવી હતી અને માતાજીના મંદિરે જવા માટે નવ નિર્માણ પુલનું સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ કરાયા બાદ પુલને આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. એક મહત્વની સુવિધાઓ મહિલાઓએ પોતે જાતે ઊભી કરી હતી.
મહિલાઓએ લીધા રાસગરબા
આ પુલનું નિર્માણ કરનાર જાફરાબાદની મહિલાઓ મોટાભાગની નિરક્ષર છે અને ઘરકામ કરે છે. આ તમામ કોળી સમાજની મહિલાઓ દ્વારા આ પુલનું નિર્માણ કરીને શિક્ષિત મહિલાઓને પણ રાહ ચીંધી છે. ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીનો યજ્ઞ કરી મહિલાઓએ રાસ ગરબા લઈ પુલનું લોકાર્પણ કર્યું હતું.
તાઉતે વાવાઝોડામાં રસ્તો તૂટી ગયો હતો
ગતવર્ષે આવેલા ભયંકર તાઉતે વાવાઝોડામાં આ રસ્તો તૂટી ગયો હતો અને મંદિરે જવા માટે જીવના જોખમે દરિયાની વચ્ચેથી જવું પડતું હતું. ક્યારેક પૂનમની ભરતી હોય ત્યારે પાણી ફરી વળતાં ભક્તો મંદિરે જઈ શકતા ન હતા, પરંતુ આ બજરંગ મહિલા મંડળની 160 જેટલી મહિલાઓએ હાર ન માની અને આખરે પુલ બનાવવાનું નક્કી કર્યું હતું. સરકાર આ પુલ બનાવે તો વર્ષોના વર્ષ નીકળી જાય, પરંતુ આ મહિલાઓએ માત્ર છ મહિનાના ગાળામાં આ
પુલ ઊભો કરી તેનું લોકાર્પણ કર્યું હતું.


comments powered by Disqus