બેટદ્વારકામાં ડિમોલિશનનો બદલો લેવા પાકિસ્તાનથી શસ્ત્રો મોકલાયાં હતાં

Wednesday 29th March 2023 06:33 EDT
 
 

જામનગર: ભારતીય જળસીમામાંથી 425 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ભરેલી બોટને 5 ઈરાનીઓ સાથે 18 દિવસ પહેલાં પકડી લીધા બાદ હવે એટીએસે જામનગર જિલ્લામાંથી 6 શખ્સોને ઉઠાવ્યા છે. હાલાર પંથકમાં ડ્રગ્સ માફિયાઓની સક્રિયતા અને સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી નવાઈની વાત નથી, પણ ગત ઓક્ટોબર મહિનામાં બેટ દ્વારકામાં થયેલા મેગા ડિમોલિશન બાદ આ બંને બાબતો નોંધપાત્ર રીતે વધી ગઈ છે. બેટ દ્વારકાના ડિમોલિશન પછી માત્ર બે જ મહિનામાં ઓખા નજીકથી ડ્રગ્સની સાથે શસ્ત્રો ભરેલી બોટ લઈને આવતા 10 પાકિસ્તાનીઓ પકડાઈ ગયા હતા.
ડ્રગ્સની સાથે હથિયારો પકડાવાનો આ પહેલો બનાવ
આ ઘાતક શસ્ત્રો દ્વારકાના ડિમોલિશનનો બદલો લેવા મોકલાયાં હતાં ? દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ ગાંધવી અને નાવદ્રાની દરિયાઈ પટ્ટી પર થયેલું ડિમોલિશન પણ આવી જ પ્રવૃત્તિના ભાગરૂપે કરાયું હોવાનું માનવામાં આવે છે. ઓક્ટોબર પછી હાલાર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં બનતી રહસ્યમય ઘટનાઓના તાર પણ એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે છે. બેટ દ્વારકામાં દબાણો હટાવાયાં પછી થતી પ્રવૃત્તિઓ હવે બહાર આવવા માંડી હોવાની હકીકત પણ નકારી શકાય તેમ નથી.
ગત ડિસેમ્બરમાં નાવદ્રા બંદરથી ચોરાયેલી બોટ સાથે જામનગરના એક રહીશને સમિયાણી ટાપુ પાસેથી પકડી લેવાયો હતો. જામનગરની આજુબાજુમાં પણ સિક્કા, વાડીનાર, સરમત અને સચાણા વગેરે બંદરો હોવા છતાં નાવદ્રાથી કરાયેલી ચોરીએ શંકા ઉપજાવતાં સુરક્ષા એજન્સીઓની તપાસ શરૂ થઈ છે.
બેટ દ્વારકામાં કોસ્ટગાર્ડની પ્રવૃત્તિ પર નજર રહી શકે તેવી રીતે કરાયેલાં દબાણો હટાવી દેવાયાં હતાં. બે જ મહિનામાં 26 ડિસેમ્બરે 10 પાકિસ્તાનીઓ પાસેથી 300 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઘાતક હથિયારો પણ પકડાયાં. ડ્રગ્સની સાથે શસ્ત્રો મોકલવાનો આ પ્રથમ બનાવ હતો. કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે ચેતવણી આપવા ફાયરિંગ કર્યું ત્યારે શસ્ત્રો હોવા છતાં તેણે વળતું ફાયરિંગ કર્યું ન હતું. એનો એક અર્થ એવો પણ નીકળે છે કે, એ બોટમાં રહેલા 10 પાકિસ્તાની માત્ર ખેપિયા જ હતા.


comments powered by Disqus