રાજકોટમાં લાંચ લેતા પકડાયેલા ફોરેન ટ્રેડ ઓફિસરનો ચોથા માળેથી ઝંપલાવી આપઘાત

Wednesday 29th March 2023 06:35 EDT
 
 

રાજકોટ: રાજકોટની ગિરનાર ટોકીઝ પાસે આવેલી ફોરેન ટ્રેડની ઓફિસમાં ડાયરેક્ટર જનરલ તરીકે નોકરી કરતા અધિકારીને સીબીઆઈએ ફૂડ કેનનું એનઓસી આપવા રૂ. 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા બાદ આજે સવારે અધિકારીએ ઓફિસના ચોથા માળેથી કૂદકો મારી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
મૂળ રાજસ્થાનના જોધપુરના અને રાજકોટના રૈયા રોડ પર સોપાન લક્ઝુરિયસ નામની ઇમારતમાં સ્થાયી થઇ કેન્દ્ર સરકારની ફોરેન ટ્રેડની ઓફિસમાં ડાયરેક્ટર ઓફ જનરલ તરીકે નોકરી કરતા જવરીમલ એમ. બિશ્નોઈની ઓફિસમાં બપોરે દિલ્હી સીબીઆઈની ટીમે દરોડો પાડી ફૂડ કેનનું NOC આપવા બાબતે માગેલી પાંચ લાખની લાંચ લેતા ઝડપી લીધા બાદમાં અધિકારીઓએ આખી રાત તેમની પૂછપરછ કરી હતી, જ્યારે 9 વાગ્યે અધિકારીઓની નજર ચૂકવી બિશ્નોઈએ પોતાની ચોથા માળની ઓફિસની ગેલેરીમાંથી કૂદકો મારી દીધો હતો. તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
સ્વજનો મારવા દોડતાં CBIના અધિકારી પોલીસ સ્ટેશને સંતાયા
સવારે આપઘાતનો બનાવ પ્રકાશમાં આવતા મૃતકના સમાજના લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા. ઇમરજન્સી વિભાગમાં સીબીઆઈના અધિકારીઓને મારવા પાછળ દોડતા નાસભાગ મચી ગઈ હતી. ફરજ પર રહેલા પોલીસ કર્મીઓએ CBIના બે અધિકારીને રક્ષણ આપી પોલીસ ચોકીમાં આશરો આપ્યો હતો.


comments powered by Disqus