રામ માત્ર હિન્દુના જ નહીં મુસ્લિમો, ખ્રિસ્તીઓના પણ ભગવાનઃ અબ્દુલ્લા

Wednesday 29th March 2023 06:17 EDT
 
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ ભગવાન રામને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રામ માત્ર હિન્દુઓના જ ભગવાન નથી, રામ તો હિન્દુ ઉપરાંત મુસ્લિમ, ખ્રિસ્તીઓના દરેકના ભગવાન છે. આ સાથે જ તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ભાજપ માત્ર સત્તામાં રહેવા માટે રામના નામનો ઉપયોગ કરે છે.
જમ્મુ-કાશ્મીરમાં એક રેલીને સંબોધતાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, ભગવાન રામ માત્ર હિન્દુઓના જ ભગવાન નથી. આ પ્રકારની માનસિકતાને પોતાના મગજમાંથી હટાવી દેજો કે ભગવાન રામ માત્ર હિન્દુઓના જ ભગવાન છે, રામ તો દરેકના ભગવાન છે. જે લોકો રામમાં આસ્થા ધરાવે છે તે દરેકના રામ છે. પછી તે હિન્દુ હોય, મુસ્લિમ હોય કે ખ્રિસ્તી હોય અથવા અમેરિકન હોય કે રશિયન. રામ દરેકના છે.
અબ્દુલ્લાએ કહ્યું હતું કે જે લોકો તમારી પાસે એમ કહેતા આવે કે અમે માત્ર રામના જ શિષ્ય છીએ તેઓ મૂર્ખ છે. તેઓ રામના નામે વેચવાનું જાણે છે.
આવા લોકોને રામથી નહીં પણ સત્તાથી પ્રેમ છે. મને લાગી રહ્યું છે કે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાતો થશે ત્યારે આ લોકો આમ નાગરિકોનું ધ્યાન હટાવવા માટે રામમંદિરનું ઉદ્ઘાટન પણ કરી શકે છે. સાથે જ ફારુક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પહેલાં ધાર્મિક ધ્રુવીકરણને લઈને પણ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, સત્તા મેળવવા માટે તેઓ હિન્દુ ખતરામાં છે નો ખૂબ ઉપયોગ કરશે, પણ હું તમને વિનંતી કરું છું કે તમે આ પ્રકારના લોકોનો શિકાર ન બનતા.


comments powered by Disqus