રાહુલ ગાંધી મુદ્દે ગૃહમાં દેખાવો, કોંગ્રેસના 16 ધારાસભ્ય સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ

Wednesday 29th March 2023 06:09 EDT
 
 

ગાંધીનગર: સોમવારે કોંગ્રેસના ધારાસભ્યો કાળાં કપડાં પહેરીને રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ રદ કરવાના વિરોધમાં વિધાનસભા ગૃહમાં આવ્યા હતા. વિધાનસભા ગૃહ શરૂ થયું તે સાથે જ કોંગ્રેસના નેતા અમિત ચાવડા રાહુલ ગાંધીનો મુદ્દો ઉઠાવીને ઊભા થઈ જતાં અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમની જે બાબત હોય તે પ્રશ્નોત્તરી કાળ પછી રજૂ કરવાની તાકીદ કરી હતી. આમ છતાં કોંગ્રેસના ધારાસભ્યો ઊભા થઈને સૂત્રોચ્ચાર સાથે બેનરો પ્રદર્શિત કરતાં વેલમાં ધસી આવ્યા હતા. જેથી અધ્યક્ષે તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા અને સાર્જન્ટને વિરોધ કરનારા ધારાસભ્યોને ગૃહની બહાર દોરી જવા હુકમ કર્યો હતો.
પ્રશ્નોત્તરી કાળ પછી સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ બહુમતી સાથે પસાર થઈ જતાં અધ્યક્ષે તેમને ચાલુ વિધાનસભા સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. કોંગ્રેસના તમામ સભ્યો સરકાર વિરોધી સૂત્રોચાર કરતાં ગૃહની બહાર વિધાનસભા સંકુલમાં ફર્યા હતા.


comments powered by Disqus