જૂનાગઢ: સોમવાર તા. 27 માર્ચે વિશ્વ રંગમચ દિવસ એટલે કે વર્લ્ડ થિયેટર ડેની ઊજવણી કરવામાં આવી. આ તકે જૂનાગઢનો વધુ એક રસપ્રદ ઈતિહાસ સૂચવે છે કે વિશ્વની સૌપ્રથમ અને સૌથી પુરાતન નાટ્યશાળા જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં આવેલી બૌદ્ધ ગુફામાં હજુ મોજૂદ છે.
આ ઐતિહાસિક નગરીમાં અનેક ઇતિહાસ સંગ્રહાયેલા છે. જેમાં ઉપરકોટના ઐતિહાસિક કિલ્લામાં આવેલી બૌદ્ધ ગુફાઓ કેન્દ્રના પુરાતત્વ ખાતા હસ્તક છે. પુરાતત્ત્વવિદો રસેશ જમીનદાર, રવિ હજરનીશે નોંધ કરી છે કે, આ બૌદ્ધ ગુફા, બૌદ્ધ ધર્મની પ્રવૃત્તિ માટે કોતરવામાં આવી હશે તેવું લાગે, પરંતુ તજજ્ઞોના અભ્યાસપૂર્ણ તારણ ઉપરથી એવું જણાયું છે કે, આ ગુફા ધર્મપ્રવૃત્તિ માટે નહીં બલ્કે નાટ્યકલાના પ્રયોગો માટે ઉચ્ચ કક્ષાના મહાનુભાવો માટે જ કોતરવામાં આવી હતી. તેના સ્થાપત્યનું સ્વરૂપ જોતા તેને પ્રમોદભવન કે રંગભવન કહી શકાય.
કારણ કે તેમા નૃત્ય અને નાટક માટે ભોંયતળીયે આવેલો ખુલ્લો ચોક, રાજા કે મહાનુભાવો માટે વિશિષ્ટ બેઠક, સાજીંદાઓ માટે બેસવાની સુવિધા, સુંદરીઓ માટેનો શૃંગાર કક્ષ, આસન વ્યવસ્થા તેમજ ભરપૂર કુદરતી પ્રકાશની સુવિધા આ વાતની પ્રતીતિ કરાવે છે.
સ્તંભ પર અલંકારિક યુગલ તેમજ કલાના દર્શન કરતા સ્ત્રી-પુરૂષ યુગલના ડોકાતા ચહેરા આ વાતની પુષ્ટિ કરાવે છે. ઇ.સ.ની પ્રથમથી ચોથી સદી સુધી અહીં ક્ષત્રપોનું શાસન હતું. તે અરસામાં આ ગુફા કોતરાઈ હશે. તેથી તે પ્રાચીનતમ રંગભવન છે તેમ કહી શકાય.

