જૂનાગઢઃ ગુજરાત અને ગીર એશિયન સિંહ અને કેસર કેરી માટે જગવિખ્યાત છે. રાજ્ય સરકારના નિર્દેશ મુજબ કેસર કેરીનું જિયોલોજિકલ ઇન્ડિકેશન કરવામાં આવ્યું. આ ઇન્ડિકેશન પોતાનામાં એક અનોખો કૃષિ ઇતિહાસ સંભાળીને બેઠું છે.ખાવામાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવતી કોઈ કેરીની જ્યારે વાત આવે ત્યારે કેસર કેરીને લોકો સૌથી વધુ પસંદ કરે છે. પરંતુ શું તમને આ કેસર કેરીનો ઇતિહાસ ખબર છે? કેસર કેરી સૌપ્રથમ સાલેભાઈની આંબડી તરીકે ઓળખાતી હતી, જેને થોડો ફેરફાર કરીને કેસર કેરીનું નામ આપવામાં આવ્યું હતું.
ગીરને પ્રખ્યાત બનાવનારી કેસર કેરીનો ઇતિહાસ શરૂ થાય છે જૂનાગઢના વંથલીની ઓજત નદીના કાંઠેથી. જૂનાગઢના વજીર સાલેભાઈની નદીના કિનારે વાડી આવી હતી, જ્યાં પાસેના જંગલમાં આંબા પર કંઈક અલગ જ મીઠો સ્વાદ આપતી કેરીનું ઝાડ તેમને મળી આવ્યું હતું. આ કેરીનો પાક કરંડિયામાં પેક કરીને પોતાના માંગરોળના મિત્ર જહાંગીર મિયાં શેખને ચખાડવા લઈ ગયા. આ પાકેલી કેરી ચાખી અને જહાંગીર મિયાંએ પોતાના દરબારીઓને પૂછતાં તેમણે કહ્યું કે, આજ સુધી આવી કોઈ કેરી અમે ખાધી નથી. ત્યારે બધાના મનમાં સવાલ ઉઠ્યો કે, આ કેરીનું નામ શું રાખવું ? ત્યારે સર્વાનુમતે નિર્ણય થયો કે, આ કેરીની શોધ સાલેભાઇએ કરી હોવાથી તેનું નામ સાલેભાઈની આંબડી રાખવું. ત્યારથી આ કેરી સાલેભાઈની આંબડી કહેવાઈ. આ કેરીની શોધ બદલ સાલેભાઈને સાલેહિન્દનો ઇલ્કાબ પણ અપાયો હતો.
આ ઘટનાની જાણ જૂનાગઢના નવાબને થઈ તેમણે આ વિષય પર નિષ્કર્ષ સુધી પહોંચવા માટે બાગાયત શાસ્ત્રના નિષ્ણાત આયંગર સાહેબની મદદ લીધી અને આયંગર સાહેબે સાલેભાઈને મળીને આ આંબાના ઝાડની મુલાકાત કરી હતી. આયંગર સાહેબ દ્વારા કલમના વર્ધન માટે આદેશ કરવામાં આવ્યો. આ કલમ તૈયાર થતાં ઝાડ પરથી ઉતારી અને જૂનાગઢમાં લાવવામાં આવી.
વર્ષ 1934માં કેરીના ફળને કેસર કેરીનું નામ અપાયું
જૂનાગઢમાં ભવનાથમાં આવેલા નવાબના લાલઢોરી, સક્કરબાગ, સરદાર બાગ સહિતના નવાબના હસ્તકના બાગોમાં 90 જેટલી કલમનું વાવેતર કરવામાં આવ્યું અને તેમાંથી 75 કલમો ઊગી હતી. બાદમાં આ કલમમાં આવેલાં ફળ જૂનાગઢના નવાબ મહંમદખાન ત્રીજાને સમક્ષ રજૂ કરવામાં આવ્યાં. મહંમદખાન ત્રીજાએ પોતાના દરબારીઓ સમક્ષ કેરીના ફળની ચાખવા માટે રજૂ કર્યું જેમાં સાલેભાઈની આંબડી કરતાં પણ વધુ મીઠાશ લાગી. તેનો વધુ પડતો કેસરી કલર અને કેસર જેવા ફ્લેવરમાં હોવાથી જૂનાગઢના નવાબ મહંમદખાન ત્રીજાએ 25મે 1934ના રોજ આ કેરીના ફળને કેસર કેરીનું નામ આપ્યું.
કેસર કેરીનો વંથલીમાં થયો હતો જન્મ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયતી વિભાગ ડીન ડી.કે. વરુએ જણાવ્યું હતું કે, ખૂબ ઓછા પાક એવા હોય છે કે જેનો ઇતિહાસ હોય છે, પરંતુ આંબાની અંદર કેસર કેરીની જે જાત છે તેનો ખૂબ રસપ્રદ ઇતિહાસ છે. કેસર કેરીના જન્મની તૈયારી વર્ષ 1930માં વંથલીમાં થઈ હતી. સાલેભાઈની આંબડી એ કેસર કેરી પહેલાની એક જાત હતી. બાગાયતી શાસ્ત્રી આયંગર અને સાલેભાઈએ જૂનાગઢના વંથલીમાં જે આંબાનાં ઝાડ હતાં તેમાંથી અલગ અલગ કલમો બનાવી અને 1930માં જૂનાગઢના અલગ અલગ બગીચાઓમાં વાવવામાં આવી. ત્યારબાદ ત્રણથી ચાર વર્ષમાં તે ઝાડમાંથી ફળ મળ્યાં તે હતી કેસર કેરી. આ આંબામાં આવેલા ફળને જૂનાગઢના નવાબે કેસર કેરીનું નામ આપ્યું. આમ 1934માં કેસર કેરીનો જન્મ થયો.
સરકાર દ્વારા કેસર કેરીનું જિયોગ્રાફિક ઇન્ડિગેશન કરાયું
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડીન ડી.કે. વરુએ વધુમાં જણાવ્યું કે, કેસર કેરી આગળ વધી અને સરકાર દ્વારા પણ આ કેસર કેરીનું જિયોગ્રાફિક ઇન્ડિગેશન કરવા કહેવામાં આવ્યું હતું. જેના આધારે કેસર કેરી માટે તેનો ઇતિહાસ, આ કેરીના પુરાવા તેના ગુણધર્મો, વિસ્તાર ચકાસી પૂરતા પુરાવા એકઠા કરી ભારત સરકાર સમક્ષ મૂકવામાં આવ્યા, જે પાસ થયા.
