અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની પ્રથમ સત્તાવાર રાજકીય યાત્રા પર છે ત્યારે એક મોટા ડેવલપમેન્ટમાં ગુરુવારે બાઇડેન પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકા લોકોની વચ્ચે પરસ્પર સંબંધોને વધારે ભારતના બે શહેરોમાં વાણિજ્ય દૂતાવાસ ખોલશે. વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકા ભારતમાં વધુ બે સ્થાન અમદાવાદ અને બેંગલુરુમાં વાણિજ્ય દૂતાવાસ સ્થાપવા માંગે છે. તેણે મેર્યું હતું કે આ સાથે અમેરિકા ભારતના સિએટલમાં 2023માં પોતાનું નવું વાણિજ્ય દૂતાવાસ ખોલવાના નિર્ણયનું સ્વાગત કરે છે. આ ઉપરાંત અમેરિકામાં વધુ એક નવા વાણિજ્ય દૂતાવાસની જાહેરાત કરવા માટે પણ ઉત્સુક છે. અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાએ પાછલા વર્ષે ભારતીય વિદ્યાર્થીઓને વિક્રમી 1.25 લાખ વિઝા આપ્યા હતા. આ સાથે ભારતીય વિદ્યાર્થીઓનું અમેરિકામાં સૌથી મોટો વિદ્યાર્થી સમુદાય બનવાનું નક્કી છે.
અમેરિકી દૂતાવાસ મુંબઈ, કોલકાતા, ચેન્નઇ અને દરાબાદમાં આવેલા ચાર વાણિજ્ય દૂતાવાસની કામગીરીઓનું સમન્વય કરે છે અને સાથે એ નિશ્ચિત કરે છે કે સમગ્ર દેશમાં અમેરિકા-ભારતના નંબંધો મજબૂત થાય. હવે તેમાં વધુ બે વાણિજ્ય દૂતાવાસનો ઉમેરો થતાં ભારતમાં અમેરિકાના 6 કોન્સ્યુલેટ
થયા છેે.
અમદાવાદમાં કોન્સ્યુલેટથી ખર્ચ બચશે
ગુજરાતીઓને હવે અમદાવાદમાં કોન્સ્યુલેટની ઓફિસ બનવાથી મોટો ફાયદો થશે. ગુજરાતના વિવિધ શહેરોના લોકોને મુંબઈ સુધીનો ધક્કો મટી જશે. અમેરિકા દ્વારા અમદાવાદ અને બેંગલુરુમાં કોન્સ્યુલેટ ખોલવાની કરેલી જાહેરાતના પગલે ગુજરાતીઓને હવે મુંબઈ વિઝા લેવા જવું નહીં પડે. અક્ષર ટ્રાવેલ્સના મનીષ શર્માએ જણાવ્યું હતું કે, દર વર્ષે વિઝિટર વિઝા લેવા માટે દોઢથી બે લાખ ગુજરાતીઓને મુંબઈ જવું પડતું હતું જેમાં વિઝા માટે એક દિવસ અને એક દિવસ ફિંગર પ્રિન્ટ માટે જતો હતો. આમ વિઝા લેવા જનારને ત્રણ દિવસ મુંબઈ રોકવાનો અને મુસાફરીનો ખર્ચ આશરે રૂ.40 થી 50 હજાર જેટલો થતો હતો તે બચી જશે.

