જામનગરઃ જામનગર નજીક આવેલા આમરા ગામે કોઈપણ જાતના આયોજન કે જાહેરાત વગર અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આ રીતે ગામ લોકો એકઠા થઈ જાય છે. ચોમાસાને લઈ હવામાન ખાતું જે કંઈ પણ આગાહી કરતું હોય, પરંતુ આમરા ગામના ખેડૂતો માટે તો અષાઢ મહિનાના પ્રથમ સોમવારે થતી આગાહી જ મહત્ત્વની હોય છે. રોટલાને કૂવામાં નાખી દિશા પરથી વરતારો નક્કી કરવાની પ્રથા આમરા ગામમાં છેલ્લાં 400 વર્ષ કરતાં વધુ સમયથી ચાલી આવે છે.
હાલ જ્યારે વરસાદ ખેંચાયો છે, ત્યારે સૌકોઈને ઇંતેજાર છે કે વરસાદ ક્યારે આવશે અને વર્ષ કેવું રહેશે. જો આમરાના ગ્રામજનો દ્વારા કરાયેલા વરતારાનું માનીએ તો જે રોટલા ફેંકવામાં આવ્યા તેમાં એક રોટલો ઊગમણી દિશામાં ગયો છે. જે મુજબ ગામલોકોના મતે આ વર્ષ સારું રહેશે.
આ પ્રથા મુજબ ગામ લોકો અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામમાં એકઠા થાય છે. ત્યારબાદ રોટલા તૈયાર કરી ગ્રામજનો વાજતેગાજતે ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરે પહોંચે છે. જ્યાં જે વ્યક્તિ રોટલાને કૂવામાં પધરાવે છે તે વ્યક્તિને સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ રોટલાને ઉપરથી કૂવામાં પધરાવવામાં આવે છે. રોટલા કૂવામાં પધરાવ્યા બાદ ગામના વડીલો રોટલા કઈ દિશામાં જાય છે તેના પર નજર રાખે છે.
રોટલો ક્યાં જાય તો શું થાય?
ઉગમણી બાજુ જાય તો વર્ષ સારું જાય, આથમણી બાજુ જાય તો વરસ નબળું જાય, એકદમ આથમણી બાજુ જાય તો દુકાળ પણ પડે. આ વર્ષોથી પરંપરા ચાલી આવે છે.

