વડોદરાઃ કિરણ પટેલ પછી હવે વધુ એક અન્ય વ્યક્તિએ પીએમઓ અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને કૌભાંડ કર્યું છે. પીએમઓ ઓફિસના અધિકારી તરીકેની ઓળખ આપી પારૂલ યુનિવર્સિટી ટ્રસ્ટની સ્કૂલમાં મિત્રનાં બે સંતાનોના એડમિશન કરાવ્યા બાદ ટ્રસ્ટીઓને એજ્યુકેશનની કામગીરીની મંજૂરી અપાવવાનું જણાવી નાણાં પડાવવાનો કારસો રચ્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.
એજ્યુકેશનમાં સાથે મળીને કામ કરવાનું જણાવ્યું
મયંક તિવારી પારૂલ યુનિવર્સિટીમાં ડો. ગીતિકા પટેલને મળ્યો હતો અને પોતાની ઓળખ પીએમઓમાં ડિરેક્ટર સ્ટ્રેટેજિક એડવાઇઝર તથા ડિરેક્ટર ગવર્નમેન્ટ એડવાઇઝરી તરીકે કાર્યરત્ હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે એજ્યુકેશન બાબતે મોટી મોટી વાતો કરી જણાવ્યું હતું કે, એજ્યુકેશનમાં સાથે મળીને કામ કરીશું તથા ગુજરાત રાજ્યમાં રિસર્ચને લગતી કામગીરી કરીશું, તેમજ સરકારમાંથી મંજૂરી મેળવવાની કાર્યવાહી હું કરીશ અને નાણાકીય ખર્ચની જવાબદારી તમારે કરવાની રહેશે. આ પ્રકારની વાતો કરી મોટી રકમ પડાવવા અને તેઓની સાથે છેતરપિંડી કરવાનો કારસો રચ્યો હતો.
ઠગની મોટી-મોટી વાતોમાં ટ્રસ્ટી આવી ગયા
ઠગ મયંક તિવારીની મોટી મોટી વાતો સાભળી ડો. ગીતિકા પટેલ પ્રભાવિત થઈ ગયાં હતાં, જેનો લાભ લઈ વડોદરા નિઝામપુરામાં આવેલી ન્યૂઇરા સેકેન્ડરી સ્કૂલમાં તેમના આર્મીમેન મિત્રનાં બે સંતાનોને ધોરણ 4 અને 5માં એડમિશન અપાવી દીધું હતું. ડો.ગીતિકા પટેલે ખાનગી રાહે તપાસ કરાવતાં જાણ્યું હતું કે, મયંક તિવારી પીએમઓ ઓફિસમાં કાર્યરત્ નથી અને તેમની સાથે બનાવટ કરવામાં આવી છે. જે અનુસંધાને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાવ્યો હતો.

