કેનેડામાં અભ્યાસ કરતા આણંદના બોરિયાવીના યુવાનની આત્મહત્યા

Wednesday 28th June 2023 06:40 EDT
 
 

આણંદઃ આણંદ તાલુકાના બોરિયાવીના વતની અને છેલ્લાં બે વર્ષથી કેનેડા ખાતે અભ્યાસ કરતા 20 વર્ષીય યુવકે કેનેડામાં આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
કેનેડાની બ્રાન્ડન પોલીસને ગત રવિવારે સાંજે શહેરની પૂર્વ દિશામાં આવેલી એક નદી નજીકના બ્રિજ પાસેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ આણંદ તાલુકાના બોરિયાવીના વતની અને બે વર્ષ પૂર્વે કેનેડામાં અભ્યાસઅર્થે ગયેલો વિષય પટેલ નામનો યુવક ગત ગુરુવારથી કેનેડા ખાતે ગુમ થયો હોવાની વાત પ્રકાશમાં આવી હતી. છેલ્લે બે દિવસ પૂર્વે તે બ્રાન્ડેન શહેરમાં જોવા મળ્યો હતો, ત્યારબાદ તે ગુમ થતાં પોલીસ ફરિયાદ કરાઈ હતી. બ્રાન્ડેન પોલીસે તેના ગુમ થવા અંગે સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ મૂકી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી કેનેડામાં એક બાદ એક રહસ્યમય રીતે ગુજરાતી વિદ્યાર્થીઓ ગુમ થવાની ઘટના બની રહી છે, ત્યારે આણંદના 20 વર્ષના વિષય પટેલનો મૃતદેહ કેનેડાની બોઇન નદી નજીકના હાઇવે બ્રિજ પાસેથી મળી આવ્યો હતો. વધુમાં મૃતકના પરિવારજનો કેનેડા ખાતે પહોંચ્યા છે.
યુવકના પિતાના જણાવ્યા મુજબ વિષય પટેલ પરીક્ષામાં એક વિષયમાં નાપાસ થયો હોવાથી મનમાં લાગી આવતાં તેણે આપઘાત કરી લીધો હતો. હાલ તો 20 વર્ષીય યુવકના આપઘાતને લઈને પરિવારજનોમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.


comments powered by Disqus