ગુજરાતના સાણંદમાં સેમિકંડક્ટર ચિપ પ્લાન્ટ શરૂ થશેઃ કેન્દ્ર સરકાર

Wednesday 28th June 2023 06:04 EDT
 
 

નવી દિલ્હીઃ કોમ્પ્યુટર, મોબાઇલ સહિતનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે અનિવાર્ય સેમિકંડક્ટર ચિપ ભારતમાં જ બનતી થાય એ માટે સરકારે કમર કસી છે. કેન્દ્રીય કોમ્યુનિકેશન અને આઇટી મિનિસ્ટર અશ્વિન વૈષ્ણવે કહ્યું હતું કે, ડિસેમ્બર 2024 સુધીમાં પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચિપ તૈયાર થઈ જશે. અત્યારે દેશમાં ચાર-પાંચ કંપની ચિપ ઉત્પાદન એકમ સ્થાપવા માટે કામ કરી રહી છે.
અમેરિકી કંપની માઇક્રોને ચિપ ઉત્પાદન માટે ગુજરાતના સાણંદમાં અંદાજે રૂ. 22,500 કરોડ એટલે કે 2.75 અબજ ડોલર રોકવાની તૈયારી દાખવી છે. માઇક્રોન સાથે બીજી નાની-નાની 200 સહાયક કંપની પણ સ્થપાશે, કેમ કે માત્ર એક જ પ્લાન્ટ સ્થાપી દેવાથી માઇક્રોચિપ બની શકતી નથી. માઇક્રોનનો સમાવેશ જો કે જગતની અગ્રણી ચિપ ઉત્પાદક કંપનીઓમાં થાય છે, તેનું ગુજરાતમાં આગમન થાય એ બહુ મોટી વાત ગણવી રહી.
વૈષ્ણવના જણાવ્યા મુજબ માઇક્રોન ગુજરાતમાં સરળતાથી પ્લાન્ટ સ્થાપી શકે એટલા માટે ટેક્સ, ફેક્ટરી ડિઝાઇન, જમીનની ફાળવણી વગેરે જેવી કામગીરી પહેલેથી જ પૂરી કરી લેવાઈ છે. એટલે કે સરકાર ચિપ ઉત્પાદન માટે 5જી સ્પીડે કામ કરી રહી છે એમ કહી શકાય. પ્લાન્ટ માટે 5 લાખ ચોરસ ફૂટની જગ્યા જોઈશે. ફેક્ટરીનું બાંધકામ આ વર્ષે જ ચાલુ કરી દેવાશે. ચિપ ઉત્પાદન માટે અવિરત વીજળી અને લાખો લિટર પાણીની જરૂર પડે છે. એ ઉપરાંત ચિપ અત્યંત ક્લીન હોય એવા સ્થળે જ બની શકે. એ ક્લીન રૂમ આવતા વર્ષે તૈયાર થશે. માઇક્રોચિપ એ આધુનિક યુગની સૌથી મોટી જરૂરિયાત છે અને જે દેશ તેના ઉત્પાદનમાં આગળ હશે એ આપોઆપ મહાસત્તા બનશે. અમેરિકાએ પણ પોતાના ઘરઆંગણે ચિપ ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો છે. અત્યારે આખું જગત ચિપ માટે તાઇવાન પર નિર્ભર છે.


comments powered by Disqus