ગૂગલ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક સેન્ટર શરૂ કરશે

Wednesday 28th June 2023 06:04 EDT
 
 

વોશિગ્ટનઃ ઇન્ટરનેટ કંપની ગૂગલ ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર શરૂ કરશે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક બાદ ગૂગલના ભારતીય મૂળના સીઇઓ સુંદર પિચાઈએ આ જાહેરાત કરી હતી. પિચાઈએ કહ્યું હતું કે તેમની કંપની ડિજિટલાઇઝેશન ફંડ દ્વારા ભારતમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે. અમેરિકાના 21 જૂનથી 24 જૂન સુધીના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ અમેરિકી પ્રમુખ બાઇડેન, ફર્સ્ટ લેડી જિલ બાઇડેન તથા અમેરિકાની ટોચની કંપનીઓના સીઇઓ સાથે પણ બેઠક કરી હતી. પીએમ મોદીએ માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલા, એપલના સીઇઓ ટીમ કૂક, ઓપન એઆઇના સીઇઓ સેમ અમેન અને એએમડીના સીઇઓ લીસા સુ સાથે બેઠક યોજી હતી. પિચાઇએ જણાવ્યું હતું કે, ભારતની પ્રગતિથી અમે ઉત્સાહિત છીએ.
ભારતીય ભાષાઓમાં બૉટ લાવશે
સુંદર પિચાઈએ શુક્રવારે કહ્યું હતું કે ડિસેમ્બરમાં હું પીએમ મોદીને મળ્યો હતો. અમે સતત સંવાદ કરતા રહીશું. મેં કહ્યું હતું કે, ભારતમાં ડિજિટલાઇઝેશન ફંડ તરીકે અમે 10 અબજ ડોલરનું રોકાણ કરીશું. અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે કામ કરી રહેલી કંપનીઓની સાથે કામ કરીશું. અમે 100 ભાષાઓમાં પહેલ કરી રહ્યા છીએ. તથા ભારતની વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં બોટ લાવીશું. ગૂગલના સીઇઓની જાહેરાત બંનેે દેશ માટે લાભદાયી છે. તે ગિફ્ટ સિટીને વૈશ્વિક ફિનટેક બનાવવાના પીએમ મોદીના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.
એમેઝોન 26 બિલિયન ડોલરનું રોકાણ કરશે
એમેઝોનના સીઈઓ એન્ડી જેસી પણ વડાપ્રધાન મોદીને મળ્યા હતા. મીટિંગ બાદ તેમણે કહ્યું, એમેઝોન ભારતમાં વિશ્વના સૌથી મોટા રોકાણકારો પૈકી એક છે. અમે 11 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે અને વધુ 15 બિલિયન ડોલરનું રોકાણ કરવા માગીએ છીએ, આમ કુલ 26 બિલિયન ડોલરનું રોકાણ થશે.


comments powered by Disqus