ભુજઃ આરોગ્યક્ષેત્રે સીમાચિહન સર કરી રહેલા કચ્છી લેઉઆ પટેલ સમાજ ભુજની પ્રવૃત્તિને બિરદાવતાં કચ્છ સત્સંગના શીર્ષ એવા ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ સમાજની આરોગ્ય સેવાને અગ્રિમ ગણાવી હતી. તેમના હસ્તે જયસામ નિઃશુલ્ક ડાયાલિસીસ વિભાગનું નામકરણ થયું હતું.
માધાપરના લંડનવાસી સામજીભાઈ શિવજીભાઈ દબાસિયા અને વિજયાબેન દબાસિયા દંપતીએ પિતા સ્વ. શિવજીભાઈ આંબા દબાસિયા, માતા સ્વ. રામબાઈ, સ્વ. વેલજીભાઈ હાલાઈ, સમગ્ર દબાસિયા અને હાલાઈ પરિવાર દ્વારા માતા મેઘબાઈ પ્રેમજી જેઠા ભુડિયા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ડાયાલિસીસ વિભાગ માટે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. જેને ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સામબાઈ ફઈના હસ્તે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે દાતા પરિવારના વિજયાબહેન દબાસિયા, અમૃતબહેન, જશુબહેન, વિશ્રામભાઈ, ધનબાઈ ભુડિયા, લાલજીભાઈ ભુડિયા ઉપસ્થિત હતા. માતા મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલના મુખ્ય દાતા પરિવારના કેશવલાલ, કાનજીભાઈ, અરવિંદભાઈ, હસમુખભાઈ ભુડિયા સૌની ગર્વભેર નોંધ લેવાઈ હતી. જિલ્લાની સૌપ્રથમ ચેરિટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના દાતા કે.કે. પટેલ, પત્ની ધનબાઈબેન, પુત્ર દીપકભાઈ અને પુત્રીઓને પહેરામણી કરાઈ હતી. કે.કે. પટેલે પ્રતિવર્ષ બે-બે કરોડના પાંચ વર્ષીય નિભાવ ફંડના એક સાથે 6 કરોડ રૂપિયા ટ્રસ્ટને આગોતરા આપવાનું જાહેર કર્યું હતું.
મહંત સ્વામીએ પ્રેરણા કરતાં નારાણપરના ધનજીભાઈ કરશન વરસાણી ‘દરબાર’ પરિવારના પુત્રો કિશોરભાઈ, હરીશભાઈ સૌએ ચાર ડાયાલિસીસ મશીનનું દાન જાહેર કર્યું હતું. એક મશીનના રૂ. 7.5 લાખ લેખે દાતાઓ વરસી પડ્યા હતા. ભુજ મંદિર દ્વારા બંને હોસ્પિટલને 10-10 વ્હીલચેર દાન અપાઈ હતી. નેત્રયજ્ઞ માટે રૂ. 10 લાખ નાનજીભાઈ કાનજી પીંડોરિયા, ગરીબો માટે રૂ. 10 લાખ દાતા ટ્રસ્ટી લક્ષ્મણભાઈ ભીમજી રાઘવાણી, રૂ. 5 લાખ લાલજીભાઈ મેઘજી હીરાણી પરિવાર, રૂ. 5 લાખ લક્ષ્મણભાઈ મૂરજી કેરાઈ-લંડન, કલ્યાણભાઈ રવજી વેકરિયા-લંડન સહિતના દાતાઓએ દાન જાહેર કર્યાં હતાં. તો 100 સર્જરી અનામી દાતાએ પણ જાહેર કરી હતી.
ડાયાલિસીસ મશીનના દાતાઓ
ધનજીભાઈ કરશન વરસાણી ‘દરબાર’ નારણપર દ્વારા ચાર ડાયાલિસીસ મશીન, સ્વ. મહેન્દ્રભાઈ હીરાણી, સ્વ. અલ્પેશભાઈની સ્મૃતિમાં જશુબહેન માવજી, હેમાબહેન પટેલ માધાપર–લંડન, અન્ય લંડનવાસી પરિવારોમાં હીરબાઈ વાઘજિયાણી, હીરજી લાછાણી, હંસાબહેન, ધનજી ભીમજી પરિવાર, લઘાભાઈ ભુડિયા પરિવાર, મેઘબાઈ, પુત્ર રામજી ભુડિયા પરિવાર, ગોવિંદભાઈ ભુડિયા પરિવાર, સુખપરના નાનજીભાઈ ગોરસિયા, રાધાબહેન હસ્તે રવજીભાઈ, સુરેશચંદ્ર ભાભાણી, વાલબાઈ પરિવાર, વેલબાઈબહેન હીરાણીની સ્મૃતિમાં લાલજીભાઈ હીરાણી, તારાબહેન પરિવાર, માધાપરના દેવજીભાઈ દબાસિયા, બળદિયાના સ્વ. રમાબહેનની સ્મૃતિમાં કલ્યાણભાઈ વેકરિયાએ એક મશીનનું દાન જાહેર કર્યું હતું. પિતા વિશ્રામબાપા - માતા કેસરબહેનની સ્મૃતિમાં પુત્ર લક્ષ્મણભાઈ રાઘવાણી, કેસરબહેન દ્વારા પણ એક મશીન જાહેર કરાયું હતું.

