ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રાજ્યસભામાં મોકલવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તેઓ હિન્દી શીખી રહ્યા હોવાનું નિવેદન આપી તેમના જન્મદિને પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગર્ભિત સંકેત આપ્યો છે.
ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થઈ રહી છે, જેમાં એક બેઠક માટે કેન્દ્રીય મંત્રી એસ. જયશંકરને ફરીથી રિપીટ કરવામાં આવશે તે નિશ્ચિત છે. બાકીના બે નિવૃત્ત થતા સભ્યોમાં જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડિયા છે, જેમને પાર્ટી ફરીથી ટિકિટ આપે તેવી સંભાવના જણાતી નથી.
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો 68મા જન્મદિન પ્રસંગે સરદાર યુવકમંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમની રજતતુલાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પૂર્વ નાયબ મુખ્યમંત્રીની રાજકીય કારકિર્દી માટે મહત્ત્વનો સંકેત આપ્યો છે.
તેમણે કહ્યું કે, મને ખબર પડી છે કે હમણાં હમણાં તેઓ હિન્દી શીખી રહ્યા છે. તેઓ જ્યારે હિન્દીમાં બોલશે ત્યારે આપણે કલ્પના કરવાની થાય કે તેમનામાં કેટલા ગુજરાતી શબ્દો આવે છે. 40 વર્ષ પહેલાં શરૂ કરેલી કારકિર્દીમાં તેઓ નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે અને હવે તેઓ ગુજરાત જ નહીં, દેશમાં જાણીતા છે. હજી પણ તેઓ રાજકીય ક્ષેત્રમાં આગળ વધે તેવી અપેક્ષા છે.
પ્રદેશ પ્રમુખે કહ્યું કે, નીતિનભાઈ અમારી પાર્ટીના ભીડભંજન છે. પાર્ટી જ્યારે ભીડમાં હોય ત્યારે તેમણે મહત્ત્વનું કામ કર્યું છે. તેમનો ગોલ પાક્કો હોય છે. જે કામ તેઓ હાથમાં લેતા હોય છે તે કામ તે પૂર્ણ કરે છે. દેખાવમાં ભલે મારાથી નાના લાગતા હોય, પરંતુ રાજકીય ઊંચાઈમાં તેઓ મારાથી ઘણા ઊંચા છે. ઉત્તર ગુજરાતમાં તેમની તાકાત અલગ છે.

